(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૨
કથિત પ્રેમ સંબંધ પ્રકરણમાં સસ્પેન્ડેડ આઇએએસ ગૌરવ દહિયાને ગુજરાત હાઈકોર્ટે આજે મોટી રાહત આપી હતી. દિલ્હીની મહિલા લીનુસિંહ દ્વારા કરવામાં આવેલી ફરિયાદની ગુજરાત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે નહીં. દિલ્હીમાં આ મામલે તપાસ બાકી હોવાથી ગુજરાત પોલીસ આ મામલે તપાસ નહીં કરી શકે તેવો નિર્દેશ ગુજરાત હાઇકોર્ટે આજે આપતાં દહિયાને મોટી રાહત મળી છે. ગૌરવ દહિયા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ગાંધીનગર પોલીસ દહિયાને તપાસ મામલે બોલાવી શકે તેમ હોવાથી દહિયાએ હાઇકોર્ટ સમક્ષ ગુહાર લગાવી ન્યાય માંગ્યો હતો. જેમાં હાઈકોર્ટે અવલોકન કર્યું કે, એક જ ફરિયાદ મામલે બે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં તપાસ કરી શકાય નહીં. હજુ દિલ્હીમાં આ મામલે તપાસ બાકી હોવાથી ગુજરાત પોલીસ આ મામલે તપાસ નહીં કરે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના સેકટર-૭ પોલીસે ગૌરવ દહિયાને હાજર થવા ચાર-ચાર નોટિસ આપ્યા બાદ દહિયાએ ગાંધીનગર પોલીસને જવાબ આપી પોલીસ દ્વારા એક જ કેસની બે અલગ અલગ જગ્યા દિલ્હી અને ગાંધીનગર પોલીસ દ્વારા ચાલી રહેલી તપાસ સામે વાંધો લીધો હતો. ગૌરવ દહિયાએ આ મામલે હાઇકોર્ટમાં અરજી કરી માર્ગદર્શન માગ્યું હતું. દહિયાએ એવો મુદ્દો પણ ઉઠાવ્યો હતો કે, એક જ મુદ્દાની અલગ અલગ ફરિયાદ અને જુદા જુદા પોલીસ મથક દ્વારા તપાસ થઇ શકે નહી. આમ કરવાથી અરજદારના મૂળભૂત અને બંધારણીય અધિકારોનો પણ ભંગ થાય છે. જેની સુનાવણીમાં દરમિયાન હાઇકોર્ટે ઉપરોકત નિર્દેશ કર્યો હતો અને દહિયાને રાહત આપી હતી.
દહિયાના પ્રકરણમાં ગુજરાત પોલીસ તપાસ નહીં કરી શકે

Recent Comments