(એસ.આઈ.બુખારી )
જૂનાગઢ, તા.રર
જૂનાગઢ સ્થિત પોલીસ ટ્રેનિંગ કોલેજ (પીટીસી)ના પ્રિન્સિપાલ કાયદાધ્યક્ષ અધિકારી એમ.એમ. અનારવાલાની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી થતાં તેમના વિશાળ ચાહક વર્ગ અને પોલીસ તંત્રમાં ભારે આનંદની લાગણી વ્યાપી ગઈ છે. એમ.એમ.અનારવાલા તેમની યશસ્વી કાર્યવાહીથી ભારે લોકપ્રિયતા સાથે બહોળો ચાહકવર્ગ ધરાવે છે. પોલીસ તંત્રમાં સુધારા માટે તેમના પ્રયાસો હંમેશા આવકાર્ય રહ્યા છે. વર્તમાન મહિસાગર જિલ્લાના લુણાવાડા શહેરના વતની અને આઈપીએસ અધિકારી એમ.એમ. અનારવાલાએ અગાઉ અમદાવાદ, સુરત, રાજકોટ, અમરેલી, ડાંગ અને વેસ્ટર્ન રેલવેમાં પોતાની યશસ્વી કામગીરી બજાવી ચૂક્યા છે. ગત તા.૧પ ઓગસ્ટના રોજ જાહેર થયેલા રાષ્ટ્રપતિ એવોર્ડ માટેની યાદીમાં અનારવાલાનું નામ જાહેર થતાં પોલીસ બેડામાં ખુશી વ્યાપી ગઈ છે.
અનારવાલાના જણાવ્યા મુજબ રાજકોટ ખાતે એસઆરપી ગ્રુપ ૧૩, ઘંટેશ્વર ખાતે ફરજ દરમ્યાન તેઓએ સૌપ્રથમ વખત ડિઝાસ્ટર મેનેજમેનટ માટે સ્ટેટ રિઝર્વ પોલીસની ટીમ તૈયાર કરી હતી. જે આ પ્રકારની પોલીસતંત્રમાં થયેલી પ્રથમ કાર્યવાહી હતી. આપાતકાલીન સમયે કરવાની થતી તમામ કામગીરીની આ ટીમને તાલીમ આપવામાં આવી હતી. અનારવાલાના આ વિચારને ત્યારબાદ સમગ્ર રાજ્યના પોલીસતંત્રમાં અમલી બનાવાયો છે. તેટલું જ નહીં રાજ્યના ઔદ્યોગિક વિસ્તારો માટે પણ અનારવાલાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ તૈયાર કરી છે.
ઉપરાંત જૂનાગઢ ખાતે છેલ્લા ત્રણ વર્ષની કામગીરી દરમ્યાન તેમણે રપ૦૦થી વધુ જવાનોને તાલીમબદ્ધ કર્યા છે. અનારવાલાએ તાજેતરમાં સુરતના પાટીદાર આંદોલન વેળા તેમજ અમદાવાદ ખાતે યોજાતી જગન્નાથ રથયાત્રામાં સદર કામગીરી બજાવી હતી. જ્યારે ર૦૦૬માં પૂર હોનારત વખતે અનારવાલા જાતે બોટમાં બેસીને વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરતા હતા. આમ એક પોલીસ ઓફિસર હોવાની સાથે એમ.એમ.અનારવાલાના લોકાભિમુખ અભિગમ અને સુવહીવટ અને મિલનસાર સ્વભાવને કારણે તેઓ એક યશસ્વી કારકિર્દી ધરાવતા સનિષ્ઠ અધિકારી તરીકે ખ્યાતિ પામ્યા છે.