(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૧
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં કોસંબા ગામની સીમમાં નેશનલ હાઇવે પર અજાણ્યા વાહને ટક્કર મારતા સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલનું મોત નીપજયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેર પાંડેસરા પોલીસ સ્ટેશનમાં મૂળ નર્મદા જિલ્લાના ગોપાલપુરા ગામે રહેતા રાજેન્દ્રકુમાર કરસનભાઈ વળવી નાઓ છેલ્લા દસ વર્ષથી ફરજ બજાવી રહ્યા હતા. ગજરોજ રાજેન્દ્રકુમાર અંકલેશ્વર ખાતે રહેતા તેમના નાનાભાઇ મહેન્દ્રકુમારના ઘરે ગયા હતા. રાજેન્દ્રકુમાર નવી કાર ખરીદવા માટે લોનના કાગળો પર સહી કરાવી રાત્રિના ૧૦ વાગ્યાની આસપાસ પરત મોટરસાયકલ લઈ આવી રહ્યા હતા. તે દરમિયાન કોસંબા પાસે નેશનલ હાઇવે નંબર-૪૮ ઉપરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પૂરઝડપે આવી રહેલ અજાણ્યા વાહન ચાલકે તેમની મોટરસાયકલને ટક્કર મારતા તેઓ નીચે પટકાતાં તેમને ગંભીર ઇજા પહોંચતા મોત નીપજયું હતું. બનાવ અંગે કોસંબા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.