ઉના, તા.૧૧
ઉના તાલુકાના નવાબંદર ગામે પરિણીત યુવાનની હત્યા લાશ રોડની સાઇડમાં મળી આવતા ઘટના સ્થળે પોલીસ અધિકારીઓએ દોડી જઇ લાશનો કબ્જો મેળવી પી.એમ. માટે ઉના સરકારી હોસ્પિટલે ખસેડાતા અને પોલીસ સામે અસંતોષ વ્યક્ત કરી ચક્કાજામ કરતા આખરે પોસ્પે મૃતકના ભાઇની ફરિયાદ નોંધી હત્યાના મૂળ કારણ અંગે તપાસ હાથ ધરેલ છે.
બનાવની વિગત મુજબ ગત મોડી રાત્રીના નવાબંદર ગામે આવેલ રામપરા વિસ્તારની સીમની જમીનમાં બાવળના કાંટાની ઝાળીમાં નવાબંદર ગામના રમેશ ભગાભાઇ સોલંકી ઉ.વ.૩૦ પરિણીત યુવાનની લાશ પડી હોય આ અંગેની જાણ નવાબંદર મરીન પોલીસ અધિકારી મંધરાને થતાં પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. આ વખતે ગામના સરપંચ સોમવાર માંડણભાઇ, દાનુભાઇ વિજાણંદભાઇ સોલંકી સહિતના આગેવાનો તેમજ અગ્રણી અને લોકોના ટોળા પણ ઘસી ગયેલ પોલીસે લાશનો કબ્જો મેળવી મૃતક યુવાનની ક્રૂર રીતે ઇજા કરેલી લાશ ઉના સરકારી હોસ્પિટલે લાવી બાદમાં જામનગર ખાતે પી.સ્પ.માં ખસેડેલ હતી. આ હત્યા બનાવ સ્થળેથી ૨૦૦ મીટર દૂર તપાસમાં મૃતકની થયેલ સ્થળ પાસે એક પથ્થર લોહી વાળો તેમજ ચશ્મા ચંપલ પણ કાંટાની ઝાળીમાંથી મળી આવતા યુવાનની હત્યા થયા બાદ લાશને ગળામાં દોરી બાંધી ઢસડી રોડ પર કાંટામાં નાખી દેવાયેલ હોવાનું અનુમાન કરાયેલ હતું.
આ ગંભીર ઘટના બનતા નવાબંદર પોલીસ તેમજ વેરાવળના ડી.વાય.એસ.પી સહિત અધિકારીએ તુરંત તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે. અને હત્યા અંગે મૃતકના નાનાભાઇ ભરત ભગાભાઇ સોલંકી ઉ.વ.૨૦ની ફરિયાદ નોંધી ગુન્હો નોંધવામાં આવેલ છે.
આ બનાવ અંગે મૃતકના ભાઇ ભરત સોલંકીએ એવું કારણ આપેલ છે કે ગત તા. ૮/૭/૨૦૧૯ના રોજ પોતે તેમજ મરણજનાર ભાઇ વીડિયોમાં આવેલ પાનની દુકાને હતા. એ વખતે યુનુસ ગુલ્ટી નામનો શખ્સ દારૂ પીધેલ હાલતમાં આવેલ અને ટેબલ ઉઠાવી ધમકી આપેલ કે મૃતક રમેશભાઇ સોલંકીને લઇજા નહીતર મારી નાખીશ અને ત્યાર બાદ આજે તેની લાશ લોહી લુહાણ હાલતમાં મળતા હત્યામાં પાછળ તેનો હાથ હોવાની પોલીસ ફરિયાદમાં શંકા વ્યક્ત કરી છે.
બનાવ પાછળ એવું પણ કારણ બતાવેલ કે મૃતક રમેશભાઇએ આજથી ત્રણ માસ પહેલા સોશિયલ મીડિયા પર પોતાનો ધર્મ પરિવર્તન કરવા અંગેનો વીડિયો ઉતારી વાયરલ કરેલ તેના કારણે આ હત્યા થઇ હોવાનું આશંકા સેવાઇ રહી છે. અને પોલીસ ફરિયાદમાં પણ આ અંગેનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. નવાબંદર મરીન પીએસઆઇ મંધરા તેમજ વેરાવળ ડીવાયએસપી સહિત અધિકારીએ આ ભેંદી હત્યા અંગે તપાસ હાથ ધરી મૃતકની હત્યા પાછળ કોનો અને કેટલા લોકોનો હાથ છે. અને શું કારણે હત્યા કરાયેલ છે તે અંગે મૂળમાં જઇ તપાસ શરૂ કરેલ છે.
મૃતકના પરિવારજનો તથા ગ્રામજનો રસ્તા પર ઉતર્યા….
રમેશ સોલંકીની ક્રુર હત્યા નિપજાવ્યા બાદ તેના મૃતદેહને ઉના સરકારી હોસ્પિટલે લાવામાં આવેલ જ્યાં મૃતકના પરિવારજનોમાં તેમજ ગ્રામજનોમાં રોષ જોવા મળતો હતો. અને જવાબદાર પોલીસ અધિકારી હોસ્પિટલે ડોકાયા ન હોય તેથી મૃતકના પરિવારજનો અને ગ્રામજનો હોસ્પિટલની બહાર રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને ચક્કાજામ કરી દીધેલ ત્યારે પોલીસ કર્મચારીની બાઇકની આગળ લોકો સૂઇ જઇ પોલીસને પણ અટકાવતા ડીવાયએસપી સહિતના અધિકારી સહિતનો સ્ટાફ દોડી આવતા મામલો થાળે પડ્યો હતો.