અમદાવાદ, તા.૯
પાલડીમાં એબીવીપીના કાર્યાલય પર વિરોધ કરવા જઇ રહેલા એનએસયુઆઇના કાર્યકરો પર ગંભીર અને જીવલેણ હુમલો કરાયાની ઘટનાને ૪૮ કલાકથી વધુ સમય વીતી જવા છતાં પોલીસ દ્વારા હજુ સુધી એબીવીપીના હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી નથી કે, તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઇને હવે પોલીસની ભૂમિકા સામે બહુ ગંભીર અને સૂચક સવાલો ઉઠી રહ્યા છે. સીસીટીવી ફુટેજમાં એબીવીપીના કાર્યકરો એનએસયુઆઇના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણી સહિતના કાર્યકરો પર હુમલો કરતાં સ્પષ્ટ નજરે પડે છે છતાં પોલીસને એબીવીપીના આ હુમલાખોરો શોધ્યે જડતાં નથી, તે બાબત ઘણું બધુ કહી જાય છે. બીજીબાજુ, એનએસય ુઆઇના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીએ આજે ફરી એકવાર પોલીસ પર બહુ ગંભીર આક્ષેપ કર્યા હતા કે, પોલીસ તેમને ફરિયાદમાંથી ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલ અને પૂર્વ અધ્યક્ષ પ્રદીપસિંહ વાઘેલાના નામો કાઢવા દબાણ કરી રહી છે. એટલું જ નહી, તેમને આજે હોસ્પિટલમાંથી ભારે દબાણ સાથે ડિસ્ચાર્જ કરી દેવાયા હોવાનો આક્ષેપ સવાણીએ હોસ્પિટલ સત્તાધીશો પર કર્યો હતો. સામાન્ય રીતે મારામારીને કે તોફાનની ઘટના બને ત્યારે પોલીસ સીસીટીવી અને વીડિયો ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરીને ધરપકડ કરતી હોય છે પરંતુ પ્રસ્તુત કેસમાં પોલીસ વીડિયો ફુટેજમાં એબીવીપીના કાર્યકરો એકદમ સ્પષ્ટપણે નિખિલ સવાણી સહિતના એનએસયુઆઈના કાર્યકરો પર હુમલો કરતાં નજરે પડી રહ્યા છે છતાં પોલીસે તેમને કોના દબાણ હેઠળ કે ઇશારે છાવરી રહી છે તે હવે ચર્ચાનો વિષય બન્યો છે. એબીવીપીના હુમલાખોરોનીવાત કરીએ કે જેઓ ફુટેજમાં સ્પષ્ટ રીતે દેખાય છે તો, ચિરાગ મહેતાએ ફેસબૂક પ્રોફાઈલમાં કવર ઈમેજ તરીકે એબીવીપીનું પોસ્ટર લગાવ્યું છે. વીડિયો ફૂટેજમાં ચિરાગ મહેતા એનએસયુઆઇના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણી પર સળિયાથી હુમલો કરતો જોવા મળે છે. સુહાગ પટેલની એફબી પ્રોફાઈલ મુજબ, તે ગુજરાત ભાજપનો ભાઈપુરા વિસ્તારનો યુવા પ્રેસિડન્ટ છે. ઘટના સમયના ફૂટેજમાં સુહાગ પટેલ હાથમાં લાકડીથી હુમલો કરતો જોવા મળે છે. માત્ર એટલું જ નહીં, તે સતત ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલની સાથે જોવા મળ્યો હતો. મારામારીની ઘટના સમયે પ્રજેશ ભરવાડ નામનો વ્યક્તિ જોવા મળે છે. પ્રજેશ ભરવાડની એફબી પ્રોફાઈલમાં તેણે મુખ્યમંત્રીથી લઈ કેન્દ્રીય મંત્રી સહિતના ભાજપના નેતાઓ સાથેના ફોટોઝ પોસ્ટ કર્યા છે. આટલી સ્પષ્ટ વાતો સામે આવી ગઇ હોવાછતાં પોલીસ કોઇ કાર્યવાહી કરી રહી નથી તેને લઇ કોંગ્રેસે બહુ ગંભીર અને સૂચક સવાલો પોલીસ અને સરકાર સામે ઉઠાવ્યા હતા.
ઋત્વિજ અને પ્રદીપસિંહના નામો ફરિયાદમાં દાખલ ન કરવા દબાણ :નિખિલ સવાણી
એબીવીપીના કાર્યકરોએ કરેલા હુમલામાં ઈજાગ્રસ્ત એનએસયુઆઈના મહામંત્રી નિખિલ સવાણીને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ આજે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. નિખિલ સવાણી હોસ્પિટલમાંથી સીધા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આવીને પત્રકાર પરિષદ કરીને પોતા સાથે બનેલી ઘટના મીડિયા સમક્ષ મૂકીને પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. નિખિલ સવાણીએ આરોપ મૂક્યો કે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. પોલીસ દ્વારા ઋત્વિજ પટેલ, પ્રદીપસિંહ વાઘેલાના નામ ફરિયાદમાં ન કરવા માટે દબાણ કરવામાં આવ્યું છે. નામ દાખલ ન કરો બાકી આર્થિક કોઈ મદદ જોઈશે તો મદદ કરવાની ઓફર કરી છે. નિખિલ સવાણીએ જણાવ્યું, ’રમેશ કોર્પોરેશનની બિલ્ડીંગથી અમે આગળ નથી વધ્યા અને રમેશ કોર્પોરેશન બિલ્ડીંગ પાસે ઊભા રહીને સુત્રોચ્ચાર કરતા હતા. તેવા સમયે એબીવીપીના લોકો દ્વારા પહેલો પથ્થર મારવામાં આવ્યો અને ત્યાર બદર હુમલો કરવામાં આવ્યો હતો. પ્રદીપસિંહ વાઘેલાએ તું જ નિખિલ સવાણી’ એમ નામ પૂછીને માર માર્યો છે. તેમ છતાં પણ પોલીસ પ્રદીપસિંહ વાઘેલાનું નામ ફરિયાદમાં દાખલ ન કરવા માટે દબાણ કરી રહી છે.
Recent Comments