કયા રોગના કેટલા દર્દીઓ નોંધાયા
મચ્છરજન્ય કેસો
વિગત ૨૦૧૬ ૨૦૧૭
સાદા મેલેરિયાના કેસો ૧૦૦૯૪ ૩૮૨
ઝેરી મેલેરિયાના કેસો ૧૯૫૦ ૬૭
ચીકુનગુનિયા કેસો ૪૪૭ ૧૧૬
ડેન્ગ્યુના કેસો ૨૮૫૨ ૭૧
પાણીજન્ય કેસો
ઝાડા ઉલ્ટીના કેસો ૮૭૪૭ ૧૨૨૫
કમળો ૨૮૯૪ ૩૫૭
ટાઈફોઈડ ૩૦૧૬ ૫૦૮
કોલેરા ૧૦૨ ૦૮
અમદાવાદ, તા.૨૭
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી મહત્તમ તાપમાનનો પારો ઉંચો જઈ રહ્યો છે.એમાં પણ આજે ૪૨ ડીગ્રી સેલ્સિયસ પર પારો જવાની સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં ઝાડા-ઉલ્ટીના કેસની સાથે કોલેરાના કેસ પણ નોંધાવા પામતા તંત્ર ઉંઘતુ ઝડપાઈ જવા પામ્યું છે.શહેરમાં છેલ્લા ૨૬ દિવસમાં ઝાડા-ઉલ્ટીના કુલ ૫૧૧ કેસ અને કોલેરાના પાંચ કેસ સપાટી ઉપર આવતા હેલ્થ વિભાગ હરકતમાં આવ્યું છે.આ અંગે મળતી માહિતી અનુસાર,શહેરમાં ગત વર્ષે ૨૦૧૬માં માર્ચ મહિનામાં ઝાડા ઉલ્ટીના કુલ ૫૮૮ કેસ નોંધાવા પામ્યા હતા.જેની સરખામણીમાં આ વર્ષે ૨૬ માર્ચ સુધીમાં ઝાડા ઉલ્ટીના કુલ મળીને ૫૧૧ કેસ નોંધાવા પામ્યા છે.શહેરમાં કોટ વિસ્તારના મિરજાપુર, દરીયાપુર, શાહપુર,ખાનપુર સહિતના શાહેઆલમ, દાણીલીમડા, વટવા, નારોલ, બહેરામપુરા તથા નવા પશ્ચિમ ઝોન અને પૂર્વઝોનમાં અનેક વિસ્તારોમાં પાણી અને ગટરની લાઈનો એક થઈ જવાને કારણે પ્રદૂષિત પાણી આવતુ હોવાની આ અગાઉ ગંભીર ફરીયાદો છેક,મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર સુધી લોકોથી લઈને તેમના દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવી છે.સામે પક્ષે મ્યુનિસિપલ કમિશનરે પણ અનેક વખત રીવ્યુ બેઠકમાં હેલ્થ અને ઈજનેર વિભાગને સાથે રહીને પોલ્યુશનની ફરીયાદોનો નિકાલ કરવા આદેશ કર્યો છે.આમ છતાં પણ આ બંને વિભાગો તરફથી પોલ્યુશન અંગે કરવામાં આવી રહેલી ફરીયાદોના નિરાકરણ મામલે આંખ આડા કાન કરવામાં આવતા શહેરના વિવિધ વિસ્તારોમાં આ માસની શરૂઆતથી ૨૬ માર્ચ સુધીમાં કુલ મળીને ઝાડા-ઉલ્ટીના ૫૧૧ કેસ નોંધાવા પામ્યા છે.આ સાથે જ પાણીજન્ય એવા ટાઈફોઈડના ૨૬ દિવસની અંદર કુલ મળીને ૧૮૩ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.ગત વર્ષે માર્ચ-૨૦૧૬માં ટાઈફોઈડના કુલ મળીને ૧૬૬ જેટલા કેસ નોંધાયા હતા.તેના કરતા આ વર્ષે ૨૬ માર્ચ સુધીમાં ૧૮૩ જેટલા કેસ નોધાઈ ગયા છે.પાણીજન્ય એવા કોલેરાના કેસ આ માસમાં પાંચ વિસ્તારોમાં નોંધાવા પામ્યા છે.જેમાં નારણપુરા, વાસણા, વેજલપુર, અમરાઈવાડી, રામોલ હાથીજણ વિસ્તારનો સમાવેશ થાય છે.કમળાના આ માસમાં કુલ મળીને ૨૬ માર્ચ સુધીમાં ૧૧૯ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.મચ્છરજન્ય એવા મેલેરીયાના ૨૬ માર્ચ સુધીમાં ૧૬૪ કેસ નોંધાવા પામ્યા છે.ઝેરી મેલેરીયાના ૧૨ કેસ,ચીકનગુનીયાના ૫ કેસ અને ડેન્ગ્યુના ૧૦ કેસ નોંધાવા પામ્યા છે.શહેરમાં આગામી દિવસોમાં તાપમાન વધવાની સંભાવનાની વચ્ચે વધુ પાણીજન્ય રોગના કેસ નોંધાવા પામશે.
Recent Comments