(એજન્સી) લખીમપુર,તા.૨૩
બે અઠવાડિયા પૂર્વે આસામના આ શહેરથી ૧૪ કિ.મી. દૂર આમતોલા જોઇનપુરના ૬૧ વર્ષના નુમોલિયા દાસે પોતાની એક વિઘા જમીન પર બે પાકનું વાવેતર કર્યું હતું અને પોતાના ૧૧ સભ્યોના પપેટ થિયેટર ગ્રુપ ચલાવીને તેની આવક તેમાં રોકી હતી. ત્રણ મહિના સુધી જુદા જુદા શહેરોમાં અને ગામોમાં કઠપૂતળીના ખેલ કરીને પ્રતિ વ્યક્તિ રૂા.૧૦,૦૦૦ની કમાણી કરી હતી. ૯ જુલાઇએ રંગનંદા નદીના પાણી તેના બંધમાં ગાબડું પડતા સમગ્ર ગામમાં ફરી વળ્યા હતા અને નુમોલિયા દાસને સાવ નિર્ધન બનાવી દીધા હતા. નુમોલિયા દાસ જણાવે છે કે રાત્રે ૯.૩૦ કલાકે જ્યારે રંગનંદા નદીના પાણી અમારા ગામમાં ફરી વળ્યા ત્યારે મે મારા ગ્રુપની તમામ કઠપૂતળીઓ, સંગીતના સાધનો અને ઘરગથ્થુ ચીજવસ્તુઓ ગુમાવી દીધી છે. માત્ર આ બધી ચીજવસ્તુઓ જ નહીં પરંતુ મેં જે ડાંગરના પાકનું વાવેતર કર્યું હતું તે પણ સંપૂર્ણપણે ધોવાઇ ગયો છે. હવે જમીનમાં ૬.૮ ફૂટ રેતી અને કાપ જ બચ્યો છે.
એટલું જ નહીં તેમણે તેમના પત્નીની કાપડ વણવાની સાળ અને તેમના સૌથી નાના પુત્ર પંચમજ્યોતિના ધો.૮ના પાઠ્યપુસ્તકો અને પોતાના સંગીત સમારોહ અંગે મળેલા કેટલાક પ્રમાણપત્રો પણ પાણીમાં ગુમાવી દીધા છે.ત્યાર બાદ બીજા દિવસે સવારે બીજો એક બંધ તૂટતા રંગનંદા નદીના પાણી બોગોલિજાનમાં પણ ઘૂસી ગયા હતા અને બંધની નજીક આવેલ પોતાના વાડીવજીફા ગુમાવી દીધા હતા. જ્યાં બે સપ્તાહ પૂર્વે અમારું ઘર હતું ત્યાં હવે નદી આવી ગઇ છે. અનિલ ગોગોઇના પત્ની મોનીએ જણાવ્યું હતું કે મારા સોનાના દાગીના, પરંપરાગત ડ્રેસ, કાપડ વણવાની સાળ વગેરે ગુમાવી દીધું છે. તેમની પુત્રી રશ્મી અને રીંકુ મોની નસિબશાળી હતા કે પૂરના પાણી આવે તે પહેલા તે પોતાના પાઠ્યપુસ્તકો લઇને ત્યાંથી સ્થળાંતર કરી ગયા હતા. રશ્મી ધો.૧૦માં છે અને તે હવે બોર્ડની પરીક્ષા આપશે.
૫૦ જેટલા ગામોના સેકડો જેટલા પરિવારોના ઘરબાર રંગનંદા નદીના ધસમસતા પાણીમાં ધોવાઇ ગયા છે અને ઠેર ઠેર તારાજી અને તબાહી સર્જાઇ છે. લખીમપુર જિલ્લામાં પૂરના કારણે ૧૩ લોકોના મૃત્યુ થયા હતા. ડેપ્યુટી કમિશનર બરુન ભૂયાને જણાવ્યું હતું કે ૧૮૩ ઘરો સંપૂર્ણપણે ધોવાઇ ગયા છે અને ૭૫ જેટલા ઘરોને આંશિક નુકસાન પહોંચ્યું છે.૩.૩૫ લાખ કરતા વધુ લોકોને અસર પહોંચી છે. ૨૨૦૦૦ હેક્ટરનો ડાંગરનો પાક ધોવાઇ જઇને ત્યાં રેતી અને કાપને કારણે વેરાન રણ બની ગયું છે એવું બરૂન ભૂયાને જણાવ્યું હતું.