(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૬
સમગ્ર રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ વેરેલા વિનાશને લીધે ડઝન બંધ માનવ અને અસંખ્ય પશુઓના મોત નિપજ્યા છે. લાખો પરિવારો અસરગ્રસ્ત થયા છે. હજારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને સેંકડો લોકોને પૂરના ધસમસતા પાણીમાંથી બચાવી લેવાયા છે. આ કામગીરીમાં સ્થાનિક લોકોની સાથે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તો કાર્યરત છે પરંતુ પરિસ્થિતિ વણસતા બીએસએફ, લશ્કર, એરફોર્સ બાદ હવે નૌકાદળની પણ મદદ લેવામાં આવી છે. પોરબંદર અને જામનગરથી નૌકાદળના જવાનોને બોલાવવામાં આવતા પૂર અસરગ્રસ્તોની વ્હારે લશ્કરી ત્રણે પાંખો આવી પહોંચી હતી.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ હવે તબાહીનું ચિત્ર સપાટી ઉપર આવી રહ્યું છે. ભારે વિનાશ અને ભારે નુકસાન હવે જોવા મળી રહ્યું છે. ધારણા પ્રમાણે જ બનાસકાંઠા જિલ્લાના થરાના ખારિયા ગામે એક જ પરિવારના ૧૭ લોકોના મોતના સમાચાર મળતા ખળભળાટ મચી ગયો છે. હજુ સુધી જિલ્લામાંથી ૨૫થી વધારેના મૃતદેહ મળી આવ્યા છે. ખારિયા ગામમાં છ ભાઈનો પરિવાર એક સાથે રહેતો હતો. પુરમાં ફસાઈ ગયા બાદ તેમના મોત થયા હતા. આ પરિવારમાંથી એક વ્યક્તિને બચાવી લેવામાં સફળતા હાથ લાગી છે. પરિવારનો તંત્રનો સંપર્ક સાધવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. પુરના પાણી ઉતર્યા બાદ આસપાસના ગામના લોકોએ તેમના મૃતદેહ બહાર કાઢ્યા છે. ઉત્તર ગુજરાતમાં અતિવૃષ્ટિમાં હજુ સુધી સેંકડો પશુઓના પણ મોત થઇ ચુક્યા છે. પુરના પાણી અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારમાં ઉતર્યા બાદ હજુ મૃતદેહ હાથ લાગે તેવી દહેશત પ્રવર્તી રહી છે. મહેસુલમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ માહિતી આપતા આજે કહ્યું હતું કે, ગુજરાતમાં ભારે વરસાદમાં આજદિન સુધી ૧૨૩ના મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં બનાસકાંઠામાં ૨૯ના મોત થઇ ચુક્યા છે. ૧૦૮૯ પશુના મોત થયા છે. ૫૦૦૦૦થી વધુ લોકોનું સ્થળાંતર થઇ ચુક્યું છે. બનાસકાંઠાના ૪૭૮ ગામડાઓમાં હજુ વિજળી ડુલ છે. પુરગ્રસ્તોની મદદમાં એરફોર્સ, એનડીઆરએફ સહિતની ટીમો લાગેલી છે. બનાસકાંઠા ખારિયા ગામના ઠાકોર પરિવારના ૧૭ સભ્યોના મૃતદેહ મળ્યા છે જ્યારે રાણકપુર ગામમાં ત્રણ લોકોના અને અણદાપુરા ગામના બે લોકોના મૃતદેહ સહિત ૨૫ના મૃતદેહ હાથ લાગ્યા છે. ભારે વરસાદના કારણે બનાસકાંઠામાં હજુ ગામો હજુ સંપર્ક વિહોણા છે. તમામના મૃતદેહ કાદવમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર ઘટતા બચાવ અને રાહત કામગીરી વધુ તીવ્ર બનાવી દેવામાં આવી છે. પુરના પાણી જેમ જેમ ઉતરી રહ્યા છે તેમ તેમ ભારે તબાહી અને તારાજીના દ્રશ્યો સપાટી પર આવી રહ્યા છે. નુકસાનના આંકડા પણ ખુલી રહ્યા છે. બનાસકાંઠામાં તો ચોમેર તબાહીની સ્થિતી જોવા મળી રહી છે. બચાવ અને રાહત કામગીરીમાં બીજા ૧૦ હેલિકોપ્ટરની સેવા લેવામાં આવી છે.
દરમિયાન રાજ્યમાં ભારે તબાહી મચાવ્યા બાદ વરસાદનું જોર ઘટ્યું છે. આજે દિવસ દરમિયાન પ૦ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે જેમાં અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં ૧૬ર મીમી એટલે કે ૬ ઈંચથી વધુ જ્યારે મહિસાગર જિલ્લાના બાલાશિનોર તાલુકામાં ૧૦૦ મીમી એટલે કે ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે સવારે ૮થી સાંજના ૬ કલાક દરમિયાન મળેલા અહેવાલો મુજબ મોડાસા તાલુકામાં ૮પ મીમી, કપડવંજમાં ૮૪ મીમી, શહેરામાં ૮૩ મીમી મળી કુલ ૩ તાલુકાઓમાં ૩ ઈંચથી વધુ, જ્યારે બાયડ તાલુકામાં ૭૦ મીમી, માલપુરમાં ૬૪ મીમી, ગળતેશ્વરમાં પ૭ મીમી, કઠલાલમાં પપ મીમી, કલોલમાં પ૩ મીમી અને ગોધરામાં પ૦ મીમી મળી કુલ ૭ તાલુકાઓમાં બે ઈંચથી વધુ જ્યારે અન્ય ૩૮ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
ભારે વરસાદને લીધે તા.૩૦મીએ
યોજાનારી ટેટની પરીક્ષા મોકૂફ

અમદાવાદ, તા.ર૬
રાજ્યમાં ભારે વરસાદને લીધે સર્જાયેલી તારાજીને લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ત્યારે આગામી તા.૩૦ જુલાઈના રોજ યોજાનારી ટેટની પરીક્ષા સહિતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ મૌકૂફ રાખવાની માગ ઉઠી હતી ત્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા.૩૦ જુલાઈના રોજની ટેટની પરીક્ષા મુલ્તવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યમાં અતિવૃષ્ટિને લીધે ઠેર-ઠેર પાણી જ પાણી છે ત્યારે તા.૩૦ જુલાઈના રવિવારના રોજ યોજાનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ટેટની પરીક્ષા મોકુફ કરવા માટે કોંગ્રસ પક્ષ, વિવિધ સંગઠનો અને ગુજરાત યુનિ.ના વેલ્ફેર મેમ્બર અઝહર રાઠોડ સહિતના જાગૃત નાગરિકોએ રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. ત્યોર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા.૩૦ જુલાઈના રોજ ઉચ્ચ પ્રાથમિક શાળા (ધો.૬થી ૮)માં પ્રાથમિક શિક્ષક અને વિદ્યાસહાયક તરીકે નિમણૂક માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોની ટેટની પરીક્ષા મુલ્તવી રાખવાનો નિર્ણય કર્યો છે અને પરીક્ષાની નવી તારીખ હવે પછી જાહેર કરવાની જાહેરાત કરી છે. જો કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ મોકુફ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

રાજ્યના ૨૦૩ જળાશયો
પૈકી ૩૮ હાઈએલર્ટ પર

ગાંધીનગર, તા. ૨૬
ગુજરાતમાં જળાશયોની સ્થિતિ પણ હવે ખુબ જ સાનુકુળ થઇ ગઇ છે. ભારે વરસાદના કારણે અનેક જળાશયોમાં આવક વધી ગઈ છે જ્યારે કેટલાક જળાશયો ઓવરફ્લો થયા છે. રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલ મુજબ છેલ્લા ૨૪ કલાકમાં વરસાદનું જોર ધીમુ થયું છે. રાજ્યના ૨૦૩ જળાશયો પૈકી ૩૮ જળાશયો હાઈએલર્ટ ઉપર છે જ્યારે ૧૯ જળાશયો એલર્ટ પર છે જ્યારે ૧૫ જળાશયોને ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના ૫૦.૮૬ ટકા જેટલા જળાશાયો ભરાઈ ગયા છે. નર્મદા યોજના સરદાર સરોવર ડેમ ૧૧૮.૫૩ મીટરની સપાટીએ પહોંચતા ૮૯.૪૧ ટકા જેટલો ભરાયો છે. રાજ્યના જે જળાશયો ૯૦ ટકાથી વધુ ભરાયા છે તેમાં ધ્રોલી, મછાનલ, કબુતરી, ઉમરિયા, કાલી-૨, સાનાન્દ્રો, ફતેહગઢ, ગજાનસાર, મીત્તી, વડિયાનો સમાવેશ થાય છે. ધરોઇ સહિત કુલ ૧૯ જળાશયોને એલર્ટ કરાયા છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે તમામ જળાશયોમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે.