(એજન્સી)
નવી દિલ્હી, તા.રર
કેન્દ્રીય મંત્રીમંડળમાં ત્રણ તલાક મુદ્દે પસાર કરવામાં આવેલ વટહુકમ મુસ્લિમ મહિલાઓની ભલાઈ માટે નહીં પરંતુ ભારતીય મુસ્લિમોના ધાર્મિક મામલાઓમાં બિનલોકશાહી રીતે હસ્તાંતરણ કરવાનું એક રાજકીય કાવતરું છે. એમ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના મહાસચિવ એમ. મુહમ્મદ અલી જિન્નાએ જણાવ્યું હતું. આ વટહુકમ (ઓર્ડિનન્સ)ને મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવવાની દિશામાં એક ઐતિહાસિક પગલાં રૂપે પ્રશંસા કરવામાં આવે છે પરંતુ આ ઓચિંતુ પગલું લેતા પહેલાં કોઈપણ મુસ્લિમ મહિલાઓના સંગઠન અને પ્રતિનિધિઓમાંથી કોઈની સાથે ત્રણ તલાક મુદ્દે કોઈપણ વાતચીત કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, મુસ્લિમ સંગઠનો અને પ્રતિનિધિઓએ ત્રણ તલાકને ગેરકાયદેસર ઠેરવતા સુપ્રીમ કોર્ટના આદેશનો વિરોધ કર્યો નથી પરંતુ એને બિનજામીન અને કેદની સજાને લાયક અપરાધ ઠેરવવું સમજણથી વિપરીત છે અને એનાથી પીડિત મહિલાઓને વધુ મુશ્કેલીઓ વેઠવી પડશે. તેમણે જણાવ્યું કે, દેશમાં મહિલાઓ વિભિન્ન પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહી છે. મુસ્લિમ મહિલાઓ પણ એમાંથી બાકાત નથી પરંતુ મહિલાઓની અન્ય સમસ્યાઓ સામે આંખ આડા કાન કરીને સરકારનું ત્રણ તલાક મુદ્દે વટહુકમ પસાર કરવા પાછળ કંઈ ઔર જ ઉદ્દેશ્ય હોવાનું વિચારવા પર મજબૂર કરે છે. મુહમ્મદ અલીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર પાસે ત્રણ તલાક મુદ્દે વટહુકમ પરત લેવાની માગણી કરવામાં આવી છે. મુસ્લિમોના ધાર્મિક મામલાઓમાં આ પ્રકારના હસ્તક્ષેપ કરીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકારનો અસલ ઉદ્દેશ્ય હિન્દુ વોટને પોતાની તરફેણમાં કરવાનો જણાઈ રહ્યું છે એમ તેમણે કહ્યું હતું.