અમદાવાદ, તા.૩૦
પોરબંદરના દરિયામાંથી એક શંકાસ્પદ વિદેશી જહાજમાંથી ૩પ૦૦ કરોડની કિંમતના હેરોઈનનો જથ્થો ઝડપાયો છે. આટલા મોટા જથ્થામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાતા સુરક્ષા એજન્સીઓ પણ ચોકી ઉઠી છે. મસમોટા ડ્રગ્સનો જથ્થો કોણે મંગાવ્યો હતો ? કોણ લાવ્યું હતું તે દિશામાં તપાસ કરવા કોસ્ટ ગાર્ડના ઉચ્ચ અધિકારી સહિતની સુરક્ષા એજન્સીઓ હાલ પોરબંદર દોડી ગઈ છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના જવાનોએ ગુજરાતના પોરબંદરના દરિયામાં એક શંકાસ્પદ જહાજને આંતરીને તેમાંથી ૧પ૦૦ કિલોગ્રામ નશીલા પદાર્થ હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો હતો આ ઝડપાયેલા જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં રૂા.૩પ૦૦ કરોડની કિંમત થાય છે. કોસ્ટ ગાર્ડે તેના સમુદ્ર ૫ાવક જહાજ દ્વારા આ શંકાસ્પદ જહાજમાં પીછો કરીને સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ઝડપાયેલો આ હેરોઈનનો જથ્થો સૌથી મોટો જથ્થો છે. જો કે ઈરાન તરફથી આવેલું આ જહાજ પનામા દેશનું હોવાનું હાલ જાણવા મળ્યું છે. આટલા મોટા જથ્થામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાતા ભારતીય કોસ્ટગાર્ડ, ગુપ્તચર વિભાગ, પોલીસ તંત્ર, કસ્ટમ વિભાગ, ભારતીય નૌકાદળ, એનસીબી તથા અન્ય એજન્સીઓ દ્વારા આ કેસમાં સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવશે. હાલ તો ગુજરાત એટીએસ પોરબંદર કોસ્ટગાર્ડ અને એનસીબીના અધિકારીઓ તપાસ માટે પોરબંદર દોડી ગયા છે. જ્યાં જહાજમાંથી મળી આવેલ શખસોની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ જહાજમાંથી પકડાયેલા આઠ જેટલા શખ્સો બિહાર અને યુ.પી.ના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તેમજ જહાજમાંથી બે સેટેેલાઈટ ફોન પણ મળી આવ્યા છે. રક્ષા પ્રવક્તાએ આ અંગે જાણકારી આપતાં જણાવ્યુૅં કે આઇસીજી,ગુપ્તચર બ્યૂરો,પોલીસ,કસ્ટમ,નેવી તથા અન્ય એજન્સીઓ તેની તપાસ કરી રહી છે.રક્ષા વિભાગના જનસંપર્ક અધિકારી અભિષેક મતિમાને જણાવ્યું કે ભારતીય તટરક્ષક દળના જહાજ સમુદ્ર પાવકે ગુજરાતના તટની નજીક એક વેપારી જહાજનો પીછો કર્યો અને તેને પકડી પાડ્યા બાદ તેમાંથી ૩૫૦૦ કરોડ રૂપિયાની કિંમતનું આશરે ૧૫૦૦ કિલોગ્રામ હેરોઇન જપ્ત કર્યું હતું.તેમણે જણાવ્યું કે શનિવારે આશરે ૧૨ કલાકે જહાજ પકડવામાં આવ્યું હતું.આ માદક પદાર્થો અત્યાર સુધીમાં મળેલો સોથી મોટો જથ્થો છે.તેમણે જણાવ્યું કે જપ્તી વિશે હજુ વધુ માહિતી મળી નથી કારણ કે જહાજ હજુ પણ સમુદ્રમાં છે.પોરબંદર વિશેષ અભિયાન સમૂહના એક અધિકારીએ જણાવ્યું કે આઇસીજીએ માદક પદાર્થોના જથ્થા અંગે રવિવારે બપોરે એક બેઠક બોલાવી હતી.

ભંગારમાં જહાજ લઈ જવાના બહાને કરાતી ડ્રગ્સની હેરાફેરી

અમદાવાદ,તા.૩૦
પોરબંદરના સમુદ્રમાં વિદેશ જહાજમાંથી રૂા.૩પ૦૦ કરોડની કિંમતનું હેરોઈન ડ્રગ્સ ઝડપાતા ચકચાર મચી ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ઝડપાયેલા ડ્રગ્સના કનેકશનમાં ગુજરાતના અનેક ડ્રગ્સ માફિયાઓ સંપર્કમાં હોવાની શકયતા સેવાઈ રહી છે. જો કે ભંગારમાં જહાજ લઈ જવાના બહાને ડ્રગ્સની હેરાફેરી થતી હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે સત્ય શું છે ? જે તે તો તપાસ એજન્સીઓ દ્વારા જાહેર કરવામાં આવે ત્યારે ખબર પડશે. પરંતુ દેશને અંદરથી ખોખલો કરવાના આશયે યુવાધનને બરબાદ કરી દેવા માટે લવાતા આ ડ્રગ્સના રેકેટના તાર કયાં સુધી જાય છે તે જોવું રહ્યું.