ઉના, તા.૪
પોરબંદરની બોટમાં માછીમારી માટે બંધાયેલા ઉના તાલુકાના ૮ જેટલા મુસ્લીમ યુવાનો દરીયામાં માછીમારી માટે ગયા હતા. દરિયામાં ભારે તોફાન ફુંકાતા અને પવનના કારણે બોટ દરિયામાં તુટી જતાં આ બોટમાં રહેલા તમામ ખલાસીઓ લાઇફજેકેટ પહેરી પોતાના જીવ બચાવવા દરિયામાં કુદી પડ્યા હતા. જેમાં એક ટંડેલ બચી જવાથી પોરબંદર દવાખાને સારવારમાં ખસેડાયેલ હતો.
પોરબંદરના બોટ માલીક ઉમેશભાઇ કરશનભાઇ પાંજરીની બોટમાં માછીમારવા ગયેલા ખલાસીઓમાં યાકુબભાઇ ઇબ્રહીમભાઇ બેલીમ ટંડેલ ઉ.વ.૪૫ , તેમજગોહીલ રામભાઇ પુંજાભાઇ રહે ડોળાસા, સેતા હુસેનભાઇ પીરભાઇ રહે ડોળાસા, ચુડાસમા સબ્બીરભાઇ મહમદભાઇ રહે ડોળાસા, બેલીમ સમીરભાઇ પરવેશભાઇ રહે લેરકા, કાજી મહમદ જહુરભાઇ અદરેમાનભાઇ રહે દેલવાડા, બેલીમ ઉસમાનભાઇ ઇસુબભાઇ રહે ગીરગઢડા દરિયાના અંદર તોફાનમાં ફંગોળાઇ ગયેલી બોટમાં ડુબી જતાં લાપતા બનેલ હોય અને હજુ સુધી તેનો કોઇ અતોપતો મળેલ ન હોય અને તેની શોધખોળ ચાલુ હોય આ બનાવની જાણ ઉના પંથકમાં આવતા ગુમ થયેલા માછીમાર પરિવારોમાં શોકમય વાતાવરણ છવાયુ છે. અને ગુંમ થયેલા માછીમારોના સ્વજનો ચિંતામાં મુકાયા છે. માછીમારના નાના સંતાનો તેમના કમાનાર વડીલો અચાનક દરિયામાં લાપતા બની જતા છત્રછાયા ગુમાવ્યાનો અફસોસ વ્યક્ત કરી રહ્યા છે.
એક માછીમારના પરિવારે મૃતકની જીયારત કરી નાખી
પોરબંદરની બોટમાં ટંડલ તરીકે કામ કરતા ઉના શહેરના રહીમનગર વિસ્તારમાં રહેતા યાકુબભાઇ ઇબ્રાહીમભાઇ બેલીમનો મૃતદેહ મળેલ ન હોય અને તેની લાશ દરિયામાં તરતા ફોટા મળી આવતા તેના પરિવાર જનોએ કલ્પાંત સાથે તેની અંતીમ વિધી કરી જીયારતની વિધી પણ ભારે શોક સાથે કરી નાખેલ છે.
બચેલા માછીમારે અન્ય માછીમારને પણ બચાવવા પ્રયત્ન કર્યા
ભારે તોફાન વચ્ચે દરિયામાં બોટ ડુબવા લાગતા તે રાત્રીનો સમય હોય મધદરિયામાં બોટનું એન્જીન બંધ પડી જતા દરિયાના મોજાની થપાટે બોટને ગરક કરી લેતા બેલીમ ઉસ્માનભાઇ યુસુબભાઇ નામના ખલાસી ચોવીસ કલાક સુધી મરણ જીવન વચ્ચે એક લાકડાના સહારે દરિયામાં ઝઝુમતો રહ્યો અને તેણે અન્ય સાથીદાર ખલાસીને પણ લાકડાના સહારે બચાવવા ભારે પ્રયાસ કરેલો પરંતુ કુદરતને મંજુર ન હોય તેમ દરિયાના ઉછળતા મોજાએ ઉસ્માન સાથે રહેલા અન્ય માછીમાર હિમ્મત હારી જતા છુટા પડેલા અને કુદરતે ઉસ્માનને નવી જીંદગી આપી હોય તેમ તેના સહારે અન્ય દરિયામાં ફિશીંગ કરતી બોટ આવી ચડતા તેનો જીવ બચી ગયેલો હાલમાં આ ઉસ્માન ગીરગઢડા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. અને તેની સમક્ષ દરિયાની ઘટના યાદ કરાવતા જ ધ્રુજી ઉઠે છે.