(એજન્સી) લખનૌ, તા.૧
યુપીના સીએમ યોગી આદિત્યનાથે હનુમાનજી અંગે આપેલા નિવેદન બાદ ઉત્તરપ્રદેશ કોંગ્રેસ કમિટી (યુપીસીસી)એ લખનૌમાં પોસ્ટર્સ લગાડી “રાજકારણમાં ભગવાનને ઢસેડી લાવવા” બદલ સીએમ યોગી માફી માંગે તેવી માગણી કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રવક્તા અંશુ અવસ્થીએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, ભાજપ હવે આરએસએસના ઈશારા પર ભાઈ-ભાઈને વહેંચવાની સાથે જ ભગવાને પણ વહેંચવા લાગી છે. કોંગ્રેસે આ અંગે વિરોધ વ્યક્ત કરતાં કહ્યું છે કે ભગવાનના નામે રાજકારણ કરનારાઓને જનતા ક્યારેય માફ નહીં કરે. આ પહેલાં ખુદ યોગી સરકારના કેબિનેટ મંત્રી અને ભાજપના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે સીએમ યોગીના નિવેદન પર કટાક્ષ કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે, રાજસ્થાનમાં દલિતોના મત મેળવવા માટે હનુમાનજીને જ દલિત ગણાવી દીધા. આ લોકો કંઈ પણ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, લખનૌમાં લગાવાયેલા પોસ્ટર્સમાં એક તરફ ભગવાન હનુમાન અને બીજી તરફ યોગીને દર્શાવાયા છે. યોગીની જાતિ આધારિત ટિપ્પણીની પ્રતિક્રિયા આપતા હોય તેમ પોસ્ટર્સમાં હનુમાનજીને એવું કહેતા દર્શાવાયા છે કે, હે તુચ્છ માનસિકતાના વ્યક્તિ… વોટને કારણે મને પણ રાજકારણમાં ઢસડી લાવ્યા!

હનુમાન અંગે નવો દાવો : અનુસૂચિત જનજાતિ આયોગના
અધ્યક્ષે કહ્યું, તેઓ દલિત નહીં જનજાતિ વર્ગના હતા


(એજન્સી) નવી દિલ્હી, તા.૧
હનુમાન અંગે હવે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ નંદકુમાર સાયે પણ નિવેદન આપતા કહ્યું છે કે હનુમાન દલિત નહીં જનજાતિ (આદિવાસી) વર્ગના હતા. લખનૌમાં પહોંચેલા સોયે સી.એમ. યોગીના નિવેદનનું ખંડન કરતા કહ્યું કે હનુમાનના નામે અનુસૂચિત જનજાતિમાં પણ એક ગૌત્ર હોય છે. એટલે કે તિગ્ગા છે અને તેનો અર્થ વાંદરો થાય છે. આપણે ત્યાં કેટલીક જનજાતિઓમાં હનુમાન ગૌત્ર છે. આ ઉપરાંત ઘણી જગ્યાઓએ ગિધ ગૌત્ર પણ છે. લોકો જાણે છે કે ભગવાન રામની સેનામાં વાનર, ભાલુ, રીંછ અને ગિધ હતા. જે તમે અભ્યાસ કરશો તો તમે જાણશો કે તેમાં સામેલ લોકો જનજાતિ વર્ગના હતા. તેમણે કહ્યું કે જે દંડકારણ્યમાં ભગવાન રામે સેના બનાવી હતી. તેમાં જનજાતિના લોકો આવતા હતા. તેથી હનુમાન દલિત નહીં, જનજાતિના છે. કઈ જનજાતિ કયા વર્ગની છે. એ નિર્ણય કરવાનો અધિકાર માત્ર જનજાતિ આયોગ પાસે છે.

પીએમ મોદીના મંત્રી પણ વિવાદમાં કૂદી પડ્યા : હનુમાન આર્ય હોવાનો દાવો


(એજન્સી) નવી દિલ્હી, તા.૧
ભગવાન હનુમાનની જાતિ અંગે ભાજપાના જ બે દિગ્ગજ આમને-સામને આવી ગયા છે. એક તરફ જ્યાં સી.એમ. યોગી બજરંગબલીને દલિત ગણાવી રહ્યા છે, ત્યાં બીજી તરફ મોદી સરકારમાં મંત્રી સત્યપાલસિંહનો દાવો છે કે હનુમાન આર્ય હતા. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભગવાન રામ અને હનુમાનના યુગમાં કોઈ જાતિ વ્યવસ્થા નહોતી. તેથી તેઓ આર્ય હતા. સત્યપાલસિંહે ઉમેર્યું કે, જો તમે વાલ્મિકી રામાયણ અને રામચરિતમાનસને વાંચશો તો તમને જણાશે કે તે સમયે જાતિ વ્યવસ્થા નહોતી. તે સમયે આર્ય જાતિ હતી અને હનુમાનજી તે જ આર્ય જાતિના મહાપુરૂષ હતા. હકીકતમાં રાજસ્થાનના અલવરમાં મંગળવારે એક રેલીનું સંબોધન કરતા સી.એમ. યોગીએ કહ્યું હતું કે બજરંગબલી એક એવા લોક દેવતા છે જેઓ પોતે વનવાસી છે, દલિત છે, વંચિત છે. ભારતીય સમુદાયને ઉત્તરથી દક્ષિણ સુધી, પૂર્વથી પશ્ચિમ સુધી સૌને જોડવાનું કામ બજરંગબલી કરે છે. જો કે સીએમ યોગીના આ નિવેદનની ખૂબ જ ટીકા થઈ હતી. રાજસ્થાન સર્વ બ્રાહ્મણ મહાસભા નામના એક સંગઠને સી.એમ. યોગીને કાયદાકીય નોટિસ મોકલી હતી. જેમાં તેઓ તરણ દિવસમાં માફી માંગે તેવી માગણી કરવામાં આવી હતી.

હવે બાબા રામદેવે હનુમાનને બ્રાહ્મણ ગણાવ્યા


(એજન્સી) લખનૌ, તા.૧
ઉત્તરપ્રદેશના સી.એમ. યોગી આદિત્યનાથ તરફથી ભગવાન હનુમાનને દલિત ગણાવાયા બાદ શરૂ થયેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. આ વિવાદમાં કૂદી પડતાં યોગ ગુરૂ બાબા રામદેવે શુક્રવારે કહ્યું કે ગુણોના આધારે ભગવાન હનુમાન બ્રાહ્મણ છે.
રાંચીમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, શાસ્ત્રોમાં ભગવાન હનુમાનની જાતિનો કોઈ ઉલ્લેખ નથી. પરંતુ ગણો અને કર્મને આધારે તેઓ બ્રાહ્મણ છે. ભગવાન હનુમાન, વેદોના જાણકાર છે. ભારતીય સંસ્કૃતિના મૂળમાં જન્મના આધારે જાતિની વ્યવસ્થા નથી, પરંતુ કર્મ તેનો આધાર છે. તેથી કર્મને આધારે તેઓ બ્રહ્માણ છે. તેઓ યોદ્ધા છે. તેથી તેઓ ક્ષત્રિય છે.
ઉલ્લેખનીય છે કે યુપીના સીએમ યોગીના ભગવાન હનુમાન અંગેના નિવેદનની ટીકા કરવામાં આવી રહી છે.