(એજન્સી) નવી દિલ્હી, તા. ૭
બુલંદશહર હિંસાના મામલામાં પોલીસ ઇન્સપેક્ટર સુબોધકુમારસિંહની હત્યાના શંકા આર્મી જવાન જીતુ (જિતેન્દ્ર મલિક) પર છે. જીતુની માતા આ આરોપ નકારી રહી છે. જમ્મુ અને કાશ્મીરમાં તૈનાત આર્મી જવાન જીતુ ઉર્ફે ફોજી સામે ઇન્સપેક્ટર સુબોધકુમારસિંહની હત્યાનો આરોપ મુકવાના અહેવાલો બાદ તેની માતાએ કહ્યું કે ઘટનાના દિવસે તેનો પુત્ર જીતુ ગામમાં ઉપસ્થિત ન હતો. જો જીતુ દોષિત જણાશે તો તે પોતે તેને ગોળીમારશે. ફોજીની માતાએ એવું પણ કહ્યું કે પોલીસે બળજબરીથી અને દબાણ કરીને તેના પતિ પાસે આ કબૂલાત કરાવી છે. પોલીસે મારા પરિવાર સાથે ખરાબ વ્યવહાર કર્યો છે. મારા પતિને બળજબરીથી પોલીસ ઉઠાવીને લઇ ગઇ છે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જીતુના પિતાએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે ઘટના વખતે જીતુ ઘટનાસ્થળે જ હતો. પોલીસે જીતુના આસપાસના ગામવાળાઓ પાસેથી પણ કન્ફર્મ કર્યું છે.