(સંવાદદાતા દ્વારા)
સુરત,તા.૨૮
ગુજરાત કોંગ્રેસની આંખોમાં કણાની જેમ ખૂંચે છે. જેના કારણે કોંગ્રેસ દ્વારા અવાર-નવાર ગુજરાત સાથે અન્યાય થઇ રહ્યો છે તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સરાજાહેર આક્ષેપો થઇ રહ્યા હોવાની વાત પર કોંગ્રેસ અગ્રણી અને દેશના માજી ટેક્સટાઇલ મંત્રી અને સાસંદ કુમારી શૈલજા ભડક્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જુઠ્ઠા જણાવતા ઉમેર્યું હતું કે, અમારી સરકાર કેન્દ્રમાં હતી ત્યારે અમે ક્યારેય કોઇની પણ સાથે કોઇપણ પ્રકારનો ભેદભાવ રાખ્યો જ નથી. માટે અમારા શાસન દરમિયાન સૌથી વધુ એવોર્ડો અમે સુરત અને ગુજરાતને આપ્યા છે. પરંતુ અમે એ બાબત સ્પષ્ટપણે સ્વીકારીએ છીએ કે, અમને વડાપ્રધાન નરેન્દ્રભાઇ જે રીતે જુઠ્ઠાણું ફેલાવવામાં અને લોકોને ગેરમાર્ગે દોરવવામાં માહેર છે તેવું અમને આવડતું જ નથી. ભાજપના નેતાઓ દ્વારા એવો પણ જોરશોરથી પ્રચાર થઇ રહ્યો છે કે, તેમના એક પણ નેતા સામે ભ્રષ્ટાચારના હજી સુધી કોઇ આક્ષેપો થયા નથી. તેના પ્રતિઉત્તરમાં તેમણે પત્રકારોને માહિતી આપતા ઉમેર્યું હતું કે, હાલમાં જ સેબીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને રૂા.૨૦ હજાર કરોડના કરેલા ભ્રષ્ટાચારના આરોપો બદલ દંડ ફટકાર્યો છે. વાત આટલેથી જ નથી અટકી પરંતુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની વાત કરો, અરૂણાચલ પ્રદેશના ભાજપના મુખ્યમંત્રી ખુડ રૂા.૨૬૦૦૦ કરોડના ટીડીએસ કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. મધ્યપ્રદેશના વ્યાપમ કૌભાંડમાં હજી સુધી કોઇ નક્કર કાર્યવાહી થઇ નથી તો તેમની કેમ કોઇ ભાજપના નેતા વાત કરતા ડરે છે. પરંતુ ભાજપની એ નીતિ રહી છે કે, જુઠ્ઠું બોલવું વારંવાર બોલવું અને પ્રજાને ગેરમાર્ગે દોરવા સાથે માત્ર તેમણે જ પ્રશ્નો કરવા બીજાને પ્રશ્નો કરવા જ ન દેવા. જો કે સાચી વાતતો એ છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ અને તેમની પાર્ટીના નેતાઓના જુઠ્ઠાણાઓ લોકોને લોકો પારખી ગયા છે. તેમણે વધુમાં નરેન્દ્રભાઇ ઉપર એવો આક્ષેપ કર્યો હતો કે, વર્ષ ૨૦૧૪માં નરેન્દ્રભાઇ ગુજરાત મોડ્યુલની દેશ અને દુનિયામાં વાતો કરતા હતા. જ્યાંરે અહિં જમીની હકીકત તો કંઇક જુદી જ છે અને હવે કહે છે કે, કોંગ્રેસ કેન્દ્રમાં સત્તા ઉપર હતી તો અમને કામ કરવા દેતી ન હતી. બોલો હવે તમે જ નક્કી કરો કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રની કંઇ વાતો ઉપર તમે ભરોસો મૂકશો. કોંગ્રેસના મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ સુશ્મિતા દવેએ જણાવ્યું હતું કે, મારે એ પૂછવું છે કે, શું માત્ર નરેન્દ્રભાઇ જ ગુજરાતના સંતાન છે ? જીએસટીને કારણે જે ગુજરાતનો કામદાર બેકાર થયો રોજીરોટી વગરનો થયો તે ગુજરાતનો સંતાન નથી. તેઓ જ્યારે ગુજરાતના ભૂજમાં આવી પોતાને ગુજરાતનો પનોતો પુત્ર કહે છે ત્યારે ગુજરાતના નલિયામાં થયેલા સેક્સકાંડ ઉપર કેમ એક શબ્દ પણ બોલતા નથી ? કેમ તેમાં ભાજપના મોટા ગજાના નેતાઓની સંડોવણી છે માટે ? જ્યારે વાત વિકાસની જો કરીએ તો ૨૨ વર્ષના શાસનમાં ગુજરાતમાં જે કામ નથી કર્યું તેના કરતા પણ નોંધપાત્ર કામ કર્ણાટકમાં સિદ્ધ રમૈયાની સરકારે કર્યું છે. જે બાબત અમે અમારા આગામી તા.૩૦મી પહેલાં જ જાહેર કરનાર મેનિફેસ્ટામાં જોઇ શકશે.