(એજન્સી) કંપાલા, તા.૧૦
એક આશ્ચર્યજનક ઘટનામાં ઓક્સફર્ડ યુનિ.ની ૩ર વર્ષીય વિદ્યાર્થિનીએ પોતાની સાથે લગ્ન કર્યા. યુગાન્ડાની નાગરિક લુલુ જેમીમાહ્‌એ માતા-પિતાના લગ્ન કરવાના દબાણથી કંટાળી આ નિર્ણય લીધો હતો. આ સમારંભમાં તેણી પરંપરાગત લગ્ન પરિધાનમાં આવી હતી અને ત્યારબાદ હાજર મહેમાનોને યોગ્ય સાથીની અછત અંગે સમજૂતી આપી હતી. અહેવાલ મુજબ લુલુના માતા-પિતાએ યુગાન્ડા ખાતે યોજાયેલ આ સમારંભમાં હાજરી આપી ન હતી. લુલુએ જણાવ્યું કે, “મારા પિતાએ મારા લગ્ન સમારંભનું ભાષણ હું ૧૬ વર્ષની થઈ ત્યારથી લખી રાખ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી મારા દરેક જન્મદિવસે મારી માતા મારા માટે એક પતિની દુઆ કરે છે જે મારી સારસંભાળ કરે અને તેથી મારા ૩રમા જન્મદિવસે મે આવા વ્યક્તિ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું, જે દરેક પરિસ્થિતિમાં મારી કાળજી રાખશે. મેં જીવંત એક નવા ઈરાદા સાથે જીવવાનું નક્કી કર્યું છે.” ઉલ્લેખનીય છે કે, લુલુના લગ્ન સમારંભનો કુલ ખર્ચ માત્ર ર૦૬ર ડોલર થયો, જે સમારંભ સ્થળ સુધી પહોંચવાનું ભાડું છે. તેના જન્મદિવસની ભેટ તરીકે એક મિત્રએ પરંપરાગત પોષાકનું ભાડું આપ્યું જ્યારે તેના ભાઈએ પોતે લુલુ માટે કેક બનાવ્યો. તમામ મહેમાનોએ સમારંભ સ્થળના બાર ખાતે પોતપોતાનું બિલ ચૂકવ્યું.