(એજન્સી) નવી દિલ્હી,તા.૧૬
પત્ની સાથે લાંબી દલીલો અને ઉગ્ર બોલાચાલી બાદ પતિએ પોતાની જાતને ફુંકી મારી. આ ઘટના રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ગોવર્ધન વિલાસની છે. મૃતકની ઓળખ રાકેશ મીણા (૩૦) તરીકે થઈ છે, કે જેણે પોતાની પત્ની સાથે તકરાર બાદ રવિવારે ડેટોનેટરથી પોતાની જાતને ફુંકી મારી.
લાંબી તકરાર બાદ આ શખ્સની પત્ની તેને છોડીને ચાલી ગઈ હતી. એફ.એસ.એલ. ટીમે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. તેમજ મૃતકના શબનું પોસ્ટમોર્ટમ પણ થઈ ચુકયું છે. તેમ ગોવર્ધન વિલાસના સીઓ ભવાનીસિંઘે જણાવ્યું હતું.
મૃતક ખાણની કંપનીમાં કામ કરતો હતો. પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડા બાદ પત્ની પાંચ દિવસથી ઘર છોડીને ચાલી ગઈ હતી. પતિએ પત્નીને શોધવાનો ઘણો જ પ્રયત્ન કર્યો પરંતુ તે ના મળતા તેણે આ અંતિમ પગલું ભર્યું હતું.