જયપુર, તા. ૨૮
સનરાઇઝ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જયપુરના ઐતિહાસિક સવાઇ માનસિંહ સ્ટેડિયમ ખાતે જંગ ખેલાશે. બન્ને ટીમો જીતના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે અને પોઇન્ટ ટેબલમાં પોતાની સ્થિતીને મજબુત કરવા પ્રયાસ કરશે. સનરાઇઝ હૈદરાબાદે હજુ સુધી સાત મેચો પૈકી પાંચમાં જીત મેળવી છે અને બેમાં તેની હાર થઇ છે. આવી જ રીતે રાજસ્થાન રોયલ્સની છ મેચો પૈકી ત્રણમાં જીત થઇ છે અને ત્રણમાં તેની હાર થઇ છે. ઘરઆંગણે પોતાની સ્થિતી સુધારી દેવાની રાજસ્થાનને તક છે. કેન વિલિયમસનના નેતૃત્વમાં સનરાઈઝ હૈદરાબાદ અને રહાણેના નેતૃત્વમાં રાજસ્થાન રોયલ્સ વચ્ચે આ જંગ ખેલાશે. રાજસ્થાનમાં બટલર, બેન સ્ટોકસ જેવા ધરખમ ખેલાડીઓ રહેલા છે. બીજી બાજુ સનરાઈઝમાં પણ શિખર ધવન, કેન વિલિયમસન જેવા પ્લેયર હોવાથી આ મેચ રોચક રહેશે.
બેંગલોરમાં આવતીકાલે ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧માં રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે પણ ખરાખરીનો જંગ ખેલાનાર છે. આ મેચનુ પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. ઘરઆંગણે જોરદાર દેખાવ કરવા માટે બેંગલોરની ટીમ સજ્જ છે. હાલમાં એકપછી એક મેચમાં બેંગલોરની હાર થઇ રહી છે. દુનિયાના સૌથી ધરખમ ખેલાડી હોવા છતાં બેંગલોરની ટીમ આ આઇપીએલમાં હજુ સુધી છ મેચો પૈકી માત્ર બે મેચો જીતી શકી છે અને તેની ચારમાં હાર થઇ છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ જીતના માર્ગ પર પરત ફરવા માટે ઉત્સુક છે. છેલ્લી મેચમાં કોલકત્તાની દિલ્હીની ટીમ સામે હાર થયા બાદ કોલકત્તા પણ વાપસી કરવા ઇચ્છુક છે. કોલકત્તાએ હજુ સુધી સાત મેચો રમી છે જે પૈકી ત્રણમાં જીત થઇ છે અને ચારમાં તેની હાર થઇ છે. બન્ને ટીમો પર ભારે દબાણ છે.