મનાલી,તા.૧૯
પર્યટનનગર મનાલીના બરાન વિસ્તારમાં આભ ફાટવા જેવી સ્થિતિથી આ વિસ્તારમાં અનેક નદી અને નાળાં ઊભરાઈ ગયાં છે, જેના કારણે અનેક પુલ અને રોડ ધોવાઈ ગયા છે તેમજ પૂરના વધતા પ્રવાહમાં છ વાહન તણાઈ ગયાં હતાં, જેમાં બે વાહનને ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત આ વિસ્તારમાં આવેલા બડાગ્રાં પાવર પ્રોજેક્ટને પણ નુકસાન થયું છે. બીજી તરફ ગત મે અને જૂનમાં ભારે વરસાદ અને તોફાનના કારણે દેશનાં વિવિધ રાજ્યમાં ૧૦૦૬ લોકોનાં મોત થયાં છે.
આ અંગે જિલ્લા અધિકારી કુલ્લુ યુનુસના જણાવ્યા અનુસાર બદલાયેલા હવામાનને જોતાં જિલ્લાભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે તેમજ લોકોને નદીઓ તેમજ નાળા નજીક નહિ જવા ચેતવણી આપવામાં આવી છે. ગત ૨૪ કલાકમાં શિમલા શહેરમાં ૧૩ મિમી, ડલહોજીમાં૧૮ મિમી વરસાદ થયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૨૧ અને ૨૨ જુલાઈએ ફરી ભારે વરસાદ થવાની સંભાવના છે અને તેના કારણે લોકોની મુસીબતમાં વધારો થઈ શકે તેમ છે. બીજી તરફ લુધિયાણામાં ૧૬ એમએમ, પટિયાલામાં આઠ એમએમ, જાલંધરમાં ૩ એમએમ વરસાદ થયો છે.
આ ઉપરાંત હરિયાણામાં પણ હાલ વરસાદ ચાલુ છે. પંજાબમાં પણ મુશળધાર વરસાદ થઈ રહ્યો છે તેમ છતાં ૧૯ અને ૨૦ જુલાઈએ હળવો કે ભારે વરસાદ અને ૨૧ અને ૨૨મીએ દોઆબા અને માઝા વિસ્તારમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ભારે વરસાદથી ચાર કલાક વાહનોની અવરજવર બંધ થઈ ગઈ હતી તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ ઠપ થઈ ગયો છે. દેશનાં વિવિધ રાજયમાં વરસાદથી જે ૧૦૦૬ લોકોનાં મોત થયાં છે, જેમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં ૨૫૨ લોકોનાં મોત થયાં છે. મધ્યપ્રદેશના અનેક જિલ્લામાં ભારે વરસાદ થયો છે. વિદિશામાં બે દિવસમાં પડેલા વરસાદથી શહેર નજીકના વિસ્તારના ગામો સંપર્કવિહોણાં બની ગયાં છે તેમજ પુલ પરથી ૧૦ ફૂટ પાણી વહી રહ્યું છે. કેરળમાં વરસાદથી ૨૭ લોકોનાં મોત થયાં છે.