(એજન્સી) મુંબઇ, તા. ૨૫
પોતાની મક્કલ નિધિ મય્યમ પાર્ટી સાથે કમલ હાસને સત્તાવાર રીતે રાજકારણમાં પ્રવેશ્યાના એક વર્ષ બાદ સોમવારે ટીએમસીના મમતા બેનરજી સાથે બેઠક કર્યા બાદ અંદામાન અને નિકોબાર ટાપુ માટે ટીએમસી સાથે ગઠબંધન કરવાની જાહેરાત કરી છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, તેઓ ૬ એપ્રિલે અંદામાનમાં ટીએમસી ઉમેદવાર માટે પ્રચાર કરશે. કોલકાતામાં પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે, આ બેઠક સારી રહી હતી. અમે હવે ગર્વથી કહી શકીએ છીએ કે, અંદામાન માટે ટીએમસી સાથે એમએનએમે ગઠબંધન કર્યું છે. અમને આશા છે કે, આ ખાસ સંબંદો વિકસિત થશે. હું અંદામાનમાં તેમના ઉમેદવાર માટે પ્રચાર કરવા જઇ રહ્યો છું અને ૬ એપ્રિલે હું ત્યાં જઇશ. તેમને પુછવામાં આવ્યું કે, પશ્ચિમ બંગાળમાં પણ તેઓ પ્રચાર કરશે તેના જવાબમાં અભિનેતામાંથી રાજકારણી બનેલા હાસને કહ્યું કે, તેમનું ધ્યાન તામિલનાડુ પર છે પણ તેઓ આ અંગે વિચારશે. હું પશ્ચિમ બંગાળમાં ટીએમસી માટે પ્રચાર કરવાનું વિચારી શકું પણ તમે જોઇ શકો છો કે, મારા હાથ સંપૂર્ણ રીતે તામિલનાડુમાં છે. આ મારા માટે પ્રથમ વખત છે. મારી રાજકીય સફર માટે શુભકામના લેવા હું અહીં આવ્યો છું.
કમલ હાસનને પુછવામાં આવ્યું કે, શું તેઓ મહાગઠબંધન સાથે હાથ મિલાવશે ત્યારે એમએનએમ પ્રમુખે કહ્યું કે, તેઓ આ અંગે તબક્કાવાર વિચારશે. અત્યારે અંદામાનમાં ધ્યાન છે. મારી પાસે નાની પ્રાદેશિક પાર્ટી છે અને મારા પ્રદેશમાં ધ્યાન આપીશ. હું પશ્ચિમ બંગાળ અને કેરળને પ્રેમ કરૂં છું તેથી અમે તબક્કાવાર વિચારીશું. આ પહેલા દિવસ દરમિયાન મક્કલ નિધિ મય્યમના પ્રમુખ કમલ હાસન રાજકીય બેઠક માટે કોલકાતા પહોંચ્યા હતા અને મમતા બેનરજી સાથે બેઠક કરી હતી ત્યારે તેમણે બેઠકનો ધ્યેય બતાવવા ઇન્કાર કર્યો હતો અને કબૂલાત કરી હતી કે, ટીએમસીના પ્રમુખ માટે તેમની પાર્ટી પ્રચાર કરશે. તેમણે કહ્યું કે, મારી પાર્ટી તેમના માટે પ્રચાર કરશે અને આ અંગે હું તેમની સાથે વાત કરીશ. મમતા સાથે પોતાના જુના સંબંધો યાદ કરતા તેમણે કહ્યું કે, તેઓ અહીં તેમની પાસેથી શુભકામના લેવા માટે આવ્યા છે. કમલ હાસને આ પહેલા એવી પણ જાહેરાત કરી હતી કે, તેઓ આગામી લોકસભા કે તામિલનાડુની પેટા ચૂંટણીઓ નહીં લડે.