(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૦
લોકસભાની ર૬ બેઠકો અને વિધાનસભાની ૪ બેઠકો માટે ગુજરાતમાં ર૩ એપ્રિલના રોજ મતદાન થનાર છે ત્યારે મતદાન પૂર્વે આવતીકાલે સાંજે ૬ કલાકે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. આવતીકાલે પ્રચારનો છેલ્લો દિવસ હોવાથી ભાજપ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો છેલ્લી ઘડી સુધી મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવશે આવતીકાલે ભાજપ કોંગ્રેસના સ્ટાર પ્રચારકો એક દિવસમાં ગુજરાત ખુદી વળશે.
લોકસભાની ૨૬ અને વિધાનસભાની ૪ બેઠકો માટે આવતીકાલે રવિવારે ૬ કલાકે પ્રચાર પડઘમ શાંત થતાં જ ચૂંટણીનો પ્રચાર ડોર ટૂ ડોર થશે અને છેલ્લી ઘડીએ મતદારોને રીઝવવા રાજકીય પક્ષો પોતાની આખરી બાજી ગોઠવશે.
રાજ્યમાં ૪,૫૧,૨૫,૬૮૦ કુલ મતદારોને મતાધિકાર મળ્યો છે. જેમાં ૨,૩૪,૨૮,૧૧૯ પુરૂષો અને ૨,૧૬,૯૬,૫૭૧ સ્ત્રી મતદારો નોંધાયા છે. જ્યારે ત્રીજી જાતિના ૯૯૦ મતદારો નોંધાયા છે. અત્રે નોંધવું જરૂરી છે આ વખતની ચૂંટણીમાં પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરનાર યુવા મતદારોની સંખ્યા ૧૧,૦૬,૮૫૫ નોંધાઈ છે.
લોકસભાની ચૂંટણીમાં ૩૭૧ અને વિધાનસભામાં ૪૫ ઉમેદવારો મેદાને છે. રાજ્યમાં સૌથી વધુ ઉમેદવારો સુરેન્દ્રનગરની બેઠક પર ૩૧ છે. સૌથી ઓછા ઉમેદવાર પંચમહાલ જિલ્લામાં નોંધાયા છે.
વિધાનસભાની ઊંઝા, ધ્રાંગધ્રા, જામનગર (ગ્રામ્ય) અને માણાવદરની પેટા ચૂંટણી યોજાઈ રહી છે જેમાં સૌથી ઓછા ઉમેદવાર માણાવદરમાં ૮ જ્યારે જામનગર (ગ્રામ્ય)ની બેઠક પર ૧૫ ઉમેદવારો નોંધવામાં આવ્યા છે. ત્રીજા તબકકાના મતદાનમાં ગુજરાતમાંથી વધુમાં વધુ બેઠકો કબજે કરવા ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકોએ ગુજરાતને ધમરોળ્યું છે. ભાજપ ફરી તમામ ૨૬ બેઠકો જીવતા માટે કમર કસી છે તો કોંગ્રેસે વધુમાં વધુ બેડકો તોડી પાડવા રણનીતિ ઘડી છે. ભાજપના સ્ટાર પ્રચારકોમાં નરેન્દ્ર મોદી, સુષ્મા સ્વરાજ, સ્મૃતિ ઈરાની, યોગી આદિત્યનાથ, રાજનાથસિંહ, સતપાલજી મહારાજ ઉપરાંત અમિત શાહ, પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, જીતુ વાઘાણી અને નીતિન પટેલે પ્રચારની કમાન સંભાળી હતી. કોંગ્રેસ માટે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, પાટીદાર યુવા ચહેરો હાર્દિક પટેલ, નવજોતસિંઘ સિદ્ધુ, અહેમદ પટેલ, કમલનાથ, શત્રુઘ્નસિંહા સિવાય વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પક્ષ પ્રમુખ અમિત ચાવડાએ દિવસ રાત જોવા વગર મહેનત કરી છે. હવે આવતીકાલે પ્રચાર પડઘમ શાંત થતાં ચૂંટણીનો શોરબકોર બંધ થશે અને મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થશે.