(એજન્સી) શ્રીનગર, તા. ૭
જમ્મુ અને કાશ્મીરમાં અનુચ્છેદ ૩૫એની વિરૂદ્ધમાં સુપ્રીમકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી બાદ કાશ્મીર ખીણમાં બંધ અને હડતાળને કારણે અમરનાથ યાત્રા પણ સ્થગિત કરવી પડી હતી. અનુચ્છેદ ૩૫એ અંગે કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. ‘વી ધ સિટીઝન્સ’નામની સંસ્થા દ્વારા અનુચ્છેદ ૩૫એની વિરૂદ્ધમાં સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અનુચ્છેદ ૩૫એ બહારની કોઇ પણ વ્યક્તિને કાશ્મીરમાં જમીન- મિલકત ખરીદવા અને વેચવાના અધિકારથી વંચિત કરે છે. બીજીબાજુ ભાગલાવાદી સંગઠનો આવી તક શોધતા રહે છે અને તેઓએ આ અરજીને ભારત સરકારનું વિસ્તારવાદી ષડયંત્ર ગણાવીને આંદોલન શરૂ કરી દીધું છે. બંધની શ્રીનગરના ઉત્તરમાં બારામુલ્લા, કુપવાડા, સોપોર, પાટન અને બાંદીપુરાની સાથે દક્ષિણ અને કેન્દ્રીય કાશ્મીરમાં ભારે અસર રહી. આ વિસ્તારોમાં બિઝનેસ અને ખાનગી પરિવહન ઠપ રહ્યા હતા. રસપ્રદ વાત એ છે કે અત્યાર સુધી સુપ્રીમકોર્ટે આ મામલા પર કોઇ પણ પ્રકારની સુનાવણી શરૂ કરી નથી અને કોર્ટે આ મામલો બંધારણીય બેંચને મોકલવો કે નહીં ? એ બાબતે નિર્ણય લેવા માટે ત્રણ સપ્તાહનો સમય માગ્યો છે. જો કે, કાશ્મીરમાં બહારના લોકો દ્વારા બેનામી સંપત્તિના ખરીદ-વેચાણના અહેવાલો આવતા રહે છે પરંતુ કાયદેસર રીતે કોઇ પણ ગેર-કાશ્મીરી અહીં જમીન ખરીદી શકતો નથી. એમ કરવા પાછળ કાશ્મીરની વિશિષ્ટ ઓળખ જાળવી રાખવાનો આગ્રહ હતો.