(એજન્સી) તા.૧૮
જર્મનના ઇન્ટિરીયર મિનિસ્ટર થોમસ દ માઇઝેરે એવું સૂચવ્યું છે કે જર્મની મુસ્લિમોની જાહેર રજાઓનો તેના સત્તાવાર પ્રાદેશિક કેલેન્ડરમાં સમાવેશ કરે જેના કારણે સરકારના સાથી કોન્ઝર્વેટિવ સભ્યો બેચેન બની ગયા છે. જર્મનીના અનેક પ્રદેશોમાં લાખો મુસ્લિમો વસે છે.
લોવર સેક્સોની સ્ટેટમાં ચૂંટણી પૂર્વે પ્રચાર અભિયાન દરમિયાન બોલતા દ માઇઝેરે જણાવ્યું હતું કે તેઓ જર્મનીના જે પ્રદેશોમાં મોટી સંખ્યામાં મુસ્લમો છે ત્યાં કેલેન્ડર પર મુસ્લિમોની જાહેર રજાઓની યાદીનો સમાવેશ કરવા તેઓ ખુલ્લું મન ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે જર્મનીના કેથલિક પ્રદેશમાં ઓલ સેઇન્ટ ડે એકમાત્ર જાહેર રજા હતી જે સ્થળોએ મુસ્લિમોની સંખ્યા વધુ છે ત્યાં આપણે મુસ્લિમ જાહેર રજાઓ દર્શાવવાનું શા માટે વિચારી ન શકીએ. તેમની આ દરખાસ્ત સામે સાથી કોન્ઝર્વેટિવ સભ્યોએ ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી. વરિષ્ઠ સીડીયુ સભ્ય વોલ્ફ ગેંગ બોસબેકે જણાવ્યું હતું કે જર્મનીમાં દરેક વ્યક્તિ જે કોઇ ધાર્મિક તહેવારો હોય તેની ઉજવણી કરી શકે છે પરંતુ તેમણે ઉમેર્યું હતું કે રાજ્યએ કાનૂની નિયમો સાથે ભવિષ્યમાં બિનખ્રિસ્તી રજાઓનું રક્ષણ કરવું જોઇએ કે કેમ તે એક સંપૂર્ણપણે અલગ મુદ્દો છે. ક્રિશ્ચિયન સોશિયલ યુનિયનના વરિષ્ઠ સભ્ય એલેક્ઝાન્ડર ડોબ્રિન્ટડે જણાવ્યું હતું કે જર્મનીની ખ્રિસ્તી વિરાસત સાથે કોઇ બાંધછોડ થઇ શકે નહીં, અમે જર્મનીમાં મુસ્લિમ જાહેર રજાઓ શરૂ કરવાનું વિચારીશું નહીં.