(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૩
ગુરૂગ્રામની રયાન ઈન્ટરનેશનલ સ્કૂલમાં પ્રદ્યુમનની હત્યાના આરોપી ધોરણ ૧૧ના વિદ્યાર્થીએ ઈન્ટરનેટ પરથી ઝેરના પ્રકાર અને ફિંગરપ્રીન્ટ હટાવવાની જાણકારી મેળવી હતી તેવું સીબીઆઈએ કહ્યું છે. આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ કહ્યું કે, આરોપીની તેના મોબાઈલ સર્ચ પરથી વિગતોની તપાસ કરવામાં આવતાં એવું જાણવા મળ્યું કે તેણે ઈન્ટરનેટ પર ઝેરના પ્રકાર વિશે માહિતી મેળવી હતી. ૨૨ સપ્ટેમ્બરના રોજ સીબીઆઈએ આ કેસની તપાસ સંભાળી. સીબીઆઈ સૂત્રે કહ્યું કે પ્રદ્યુમનની હત્યા કર્યા બાદ આરોપીએ ચપ્પુ ફેંકી દીધું હતું. આરોપીને હત્યાના એક દિવસ પહેલા ચપ્પુ ખરીદ્યું હતું. શનિવારે જેજેબીએ આરોપી વિદ્યાર્થીને ૨૨ નવેમ્બર સુધી જુવનાઈલ હોમમાં મોકલી દીધો હતો. સીબીઆઈએ દાવો કર્યો કે આરોપી વિદ્યાર્થીએ પ્રદ્યુમનની હત્યાનો ગુનો કબૂલી લીધો છે. સીબીઆઈએ આરોપીને કહ્યું હતું કે, તેણે પ્રદ્યુમનની હત્યા કેવી રીતે કરી હતી. રવિવારે સીબીઆઈએ એવો આક્ષેપ કર્યો હતો કે ગુરૂગ્રામ પોલીસ દ્વારા પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપી વિદ્યાર્થીના પિતાએ એવો આક્ષેપ કર્યોકે મારા પુત્રને ટોર્ચર કરવામાં આવ્યો છે.