(એજન્સી) ગુરૂગ્રામ,તા.૧૫
દેશભરમાં ખળભળાટ મચાવનારા પ્રદ્યુમ્ન ઠાકુર હત્યાકાંડમાં રોજ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. પ્રદ્યુમ્ન હત્યા પ્રકરણમાં સીબીઆઇ દ્વારા ધરપકડ કરાયેલ રાયન ઇન્ટરનેશનલ સ્કૂલનો વિદ્યાર્થી સતત પોતાનું નિવેદન બદલી રહ્યો છે. બે દિવસ પહેલાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે કહ્યું હતું કે, ધોરણ-૧૧ના વિદ્યાર્થી એવા આરોપીએ પ્રદ્યુમ્નની હત્યાની વાત કબૂલી લીધી છે. બોર્ડે એ પણ જણાવ્યું કે, વિદ્યાર્થીએ તેની હત્યા કેવી રીતે કરી. પરંતુ બાદમાં આરોપી વિદ્યાર્થી હવે પોતાના નિવેદનથી ફેરવી તોળી રહ્યો છે અને તેણે ચાઇલ્ડ પ્રોટેકશન અધિકારીને જણાવ્યુ કે, તેને ખોટી રીતે આ કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે, તેણે કોઇની હત્યા નથી કરી. ૧૬ વર્ષીય આરોપી વિદ્યાર્થીના પિતાએ એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સીબીઆઇ તેમના પુત્રને ખોટી રીતે આ કેસમાં સંડોવી રહી છે. તેમના પુત્રને આ ગુનો કબૂલવા માટે ત્રાસ અપાઇ રહ્યો છે કે જે ગુનો તેણે કર્યો જ નથી. સીબીઆઇ અધિકારીઓ ગુનો ના કબૂલે તો તેમના સમગ્ર પરિવારને ગોળી મારવાની ધમકી આપી રહ્યા છે. સીબીઆઇ ધમકીથી ડરી જઇને તેમના પુત્રએ ગુનો કબૂલ્યો છે. બીજીબાજુ, આરોપી વિદ્યાર્થીએ સીપીઓ સમક્ષ પ્રદ્યુમ્નની હત્યા નહી કરી હોવાની વાત જણાવી હતી. સીપીઓએ જણાવ્યું કે, વિદ્યાર્થી આમ તો શાંત જણાય છે મેં તેને શાંતિથી પૂછયુ ત્યારે તેણે જણાવ્યું કે, તે નિર્દોષ છે, તેણે કોઇની હત્યા કરી નથી. ગત તા.૮મી નવેમ્બરના રોજ આ વિદ્યાર્થીની ધરપકડ બાદ સીબીઆઇએ જણાવ્યું હતું કે, આરોપી વિદ્યાર્થીએ તેના પિતા અને તપાસનીશ અધિકારીઓ સામે પોતાનો ગુનો કબૂલી લીધો છે. બીજીબાજુ, સીપીઓએ જણાવ્યું હતું કે, તપાસનીશ અધિકારીઓએ વિદ્યાર્થીને મારી-પીટી ત્રાસ અપાઇ રહ્યો હતો. સીબીઆઇએ પૂછપરછ દરમ્યાન જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના કોઇ સભ્યને પણ હાજર રહેવા દીધા ન હતા. જો કે, સીબીઆઇના પ્રવકતાએ આરોપી વિદ્યાર્થીને ત્રાસ અપાઇ રહ્યો હોવાના આરોપનું ખંડન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, સીબીઆઇ આ પ્રકારના હથકંડા અજમાવી શકે નહી. આરોપી વિદ્યાર્થીએ ખુદ તેના પિતા અને વેલફેર અધિકારી સમક્ષ પોતાનો ગુનો કબૂલ્યો હતો. ગત શનિવારે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના એક સભ્યએ જણાવ્યું હતું કે, ધોરણ-૧૧માં ભણતા આરોપી વિદ્યાર્થીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, તે પ્રદ્યુમ્નને જાણતો હતો અને બંને સાથે પિયાનો કલાસ એટેન્ડ કરતા હતા. આ પરિચયના કારણે જ તે તા.૮ સપ્ટેમ્બરે પ્રદ્યુમ્નને વોશરૂમમાં લઇ ગયો હતો. સીબીઆઇએ દાવો કર્યો હતો કે, આરોપી વિદ્યાર્થીએ પીટીએમ અને પરીક્ષા અટકાવવાના હેતુથી પ્રદ્યમ્નની હત્યા કરી નાંખી હતી. ઉલ્લેખનીય છે કે, ગત તા.૮મી સપ્ટેમ્બરે રાયન ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી પ્રદ્યુમ્નની વોશરૂમમાં હત્યા કરી દેવામાં આવી હતી. ગુરૂગ્રામ પોલીસે આ હત્યા પ્રકરણમાં બસ કડંકટર અશોકની ધરપકડ કરી હતી. જો કે, સમગ્ર કેસની તપાસ સીબીઆઇને સોંપાતા સીબીઆઇએ કડંકટરને કલીનચિટ્‌ આપી આરોપી વિદ્યાર્થીને ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યાનો દાવો કર્યો હતો.