(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૪
બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિ અંગે પરીક્ષાર્થીઓએ ભારે હોબાળો મચાવી ઠેર-ઠેર વિરોધાત્મક દેખાવો શરૂ કરી દેતા રાજ્ય સરકાર હરકતમાં આવી જવા પામી છે. સરકાર તરફથી ગૃહ રાજ્યમંત્રીએ પાછળ પણ કોંગ્રેસને જવાબદાર ગણાવતા કહ્યું કે, રાજકીય રોટલા શેકવા કોંગ્રેસ યુવકોનો સહારો લઈ રહી છે. જે લોકોએ ગેરરીતિ આચરી છે તેમની સામે પગલા લેવાશે અને પરીક્ષાર્થીઓને ન્યાય મળશે. પાલનપુરમાં ગેરરીતિના બનાવમાં એફઆઈઆર કરી બેની ધરપકડ કરાઈ છે તેમણે યુવક ઉપર લાઠીચાર્જ થયો ન હોવાની પણ સ્પષ્ટતા કરી હતી. પ્રદિપસિંહ જાડેજાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, ગૌણસેવા પસંદગી મંડળ બિનસચિવાલયન કારકૂનની પરીક્ષા પૂર્ણ થયા બાદ ૩૯ લેખિત ફરિયાદમાં ૨૬ જેટલા વોટ્‌સએપના ચેટોથી પણ ફરિયાદ કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનામાં ૫ જિલ્લામાં ૩૯ ફરિયાદમાં ૩૦૫ સીસીટીવી ફૂટેજ ચકાસવાનું કામ અંતિમ તબક્કામાં છે. બે દિવસની અંદર જ એક્શન લઈને રજૂ કરવામાં આવશે. પાલનપુરમાં થયેલી ફરિયાદમાં જે લોકોએ વોટ્‌સએપ મારફતે આન્સર કી મંગાવી હતી એની સામે એક્સન લેવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્રોમાં ચોરી કરી છે એના સંદર્ભમાં સંચાલકો, સુપર્વાઈઝર અને ખંડ નિરિક્ષકોને બોલાવીને પરીક્ષામાં ચોરી થયાની સૂનાવણી આવતી કાલે કરવામાં આવશે. ભાવનગરના એક સેન્ટરમાં કેટલાક વિદ્યાર્થીઓ એક ફ્લેટમાં એકત્ર થયા છે અને આ નંબરની ગાડીઓમાં મૂવમેટ કરે છે. એવી ફરિયાદ મળતા ડીવાયએસપી અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્થળ ઉપર પહોંચીને વિદ્યાર્થીઓની તપાસ કરી હતી અને સાહિત્ય મળ્યું હતું જે કલેક્ટર કચેરીમાં અપાયું હતું. ઉચ્ચ અધિકારીઓની તપાસમાં જાણવા મળ્યું હતું કે, કચેરી દ્વારા બહાર પાડેલા પ્રશ્નપત્ર પ્રમાણે આન્સર કી ખોટી છે ફેક આન્સર કી હતી. આમ પેપર લીક થયાની ફરિયાદો ઊભી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, અન્ય પરીક્ષાઓની જેમ આમા પણ વેઈટિંગ લિસ્ટ બનાવાની જરૂર જણાય તો કેટલાક સુધારા કરીને તૈયાર કરાશે.