(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૮
વિપક્ષ કોંગ્રેસના નેતા દ્વારા મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખી તેમાં જે આક્ષેપો કર્યા હતા તેનો આજે જવાબ આપતા સરકાર તરફથી મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વિપક્ષના નેતા બેધારી નીતિ અપનાવી યુવાનોના ખભે બંદૂક ર્ ફોડવાનું બંધ કરે, તેઓએ જે ર૮ પરીક્ષાઓ રદ થઈ હોવાના આક્ષેપ કર્યા છે તે અભ્યાસ વગરનો છે અને સરકારને બદનામ કરવાનો કારસો તેમણે રચ્યો છે તેને સરકાર સ્હેજપણ ચલાવી લેશે નહીં.
વિપક્ષ નેતા, પરેશ ધાનાણીએ બે દિવસ પહેલા મુખ્યમંત્રીને યુવાનોના બેરોજગાર, પરીક્ષામાં ગેરરીતિ સહિતના મુદ્દે પત્ર લખી આક્ષેપો કરતાં તેના જવાબમાં મંત્રી જાડેજાએ વળતા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, વિધાનસભામાં એક બાજુ વિપક્ષના નેતા પરીક્ષા રદ કરવા માગણી કરે છે અને બીજી બાજુ યુવાનોના નામે રાજનીતિ કરે છે.
વિપક્ષના નેતા દ્વારા મુખ્યમંત્રી રૂપાણીને રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં વર્ગ – ૧ થી ૩ની ૨૮ જેટલી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે. તેવો પત્ર લખ્યો છે તેની આલોચના કરતાં ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, કોંગ્રેસે યુવાનોને ગેરમાર્ગે દોરવાની જરૂર નથી. ભાજપા સરકારે સરકારના વિવિધ વિભાગો માટે યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ટેક્નોલોજીના માધ્યમથી પારદર્શિતાથી યોજી છે. છેલ્લા ૧૦ વર્ષમાં લાખો યુવાનોએ આ પરીક્ષાઓ આપી છે સવા બે લાખથી વધુ યુવાનોને સરકારી નોકરી પૂરી પાડી રોજગારી આપી છે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, વિપક્ષના નેતા દ્વારા જે આક્ષેપો કરાયા છે તેનો હકીકતલક્ષી અહેવાલ જોઇએ તો ટાટ-૨ની પરીક્ષા તો લેવાઇ જ નથી તો રદ્દ કરવાનો સવાલ જ ક્યાં છે? મોટર વાહન નિરક્ષકની જાહેરાત ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડીસેમ્બર-૨૦૧૬માં ૫૦ જગ્યા માટે આપવામાં આવી હતી. વર્ષ ૨૦૧૭માં યોજાયેલ આ પરીક્ષાના અનુસંધાને તમામ ઉમેદવારોને માર્ચ-૨૦૧૯માં નિમણૂંકો આપી દેવાઇ છે, વડોદરા મ્યુ. કોર્પોરેશન ક્લાર્કની પરીક્ષામાં તેમણે જે ઉલ્લેખ કર્યો છે તેવી ૨૦૧૬થી ૨૦૧૯ સુધી કોઇ પરીક્ષા રદ્દ કરવામાં આવી નથી. જ્યારે મહીસાગર જિલ્લા તલાટીની પરીક્ષામાં પણ કોઇ ગેરરીતિ થઇ હોય તેવું બન્યું નથી. આ સાથે મંત્રીએ અન્ય પરીક્ષાઓ અંગેની પણ વિગતો આપી વિપક્ષ નેતાના આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યું હતું.