(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૩૦
પોલીસ તંત્રનો હવાલો સંભાળતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સામે જ હવે તેમની પોલીસ ફરિયાદ નોંધશે. મંત્રી જાડેજા વિરૂદ્ધ ફરિયાદ નોંધવાના કોર્ટના આદેશને લઈ ખળભળાટ મચી જવા પામ્યો છે. ચૂંટણી વખતના જૂના કેસમાં આચારસંહિતા ભંગ કરવાના કેસ અનુસંધાને કોર્ટે હુકમ કરતા રાજકીય આલમમાં ગરમાવો આવવા સાથે ચર્ચા શરૂ થઈ જવા પામી છે. આવી સ્થિતિમાં પોલીસ ફરિયાદને લીધે મંત્રીના પદની અસર થશે, તે અંગેની શંકાઓ પણ થઈ રહી છે. મંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ૨૦૦૭માં અસારવા વિધાનસભા ચૂંટણીમાં પત્રિકા છપાવીને આચારસંહિતાનો ભંગ કરવાનો આરોપ કોર્ટે માન્ય રાખ્યો છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, વર્ષ ૨૦૦૭માં અસારવા વિધાનસભાની ચૂંટણી દરમિયાન પ્રદિપસિંહે પત્રિકા છપાવી હતી. જે તે સમયે તત્કાલીન શહેર કોંગ્રેસ પ્રમુખ પંકજ શાહે ક્લેકટર પાસે ફરિયાદ નોંધાવીને આરોપ મૂક્યો હતો કે, પ્રદિપસિંહે ચૂંટણીમાં પત્રિકા છપાવી આચારસંહિતા ભંગ કર્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ પંકજ શાહે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ૨૦૦૭માં અસારવા વિધાનસભા ચૂંટણીમાં પ્રદીપસિંહ જાડેજાએ પત્રિકા છપાવી હતી. એટલું જ નહીં, મતદારોને આકર્ષવા માટે ૨૦૦૭માં નવરાત્રિમાં પ્રદીપસિંહે કેટલીક વસ્તુ પણ વહેંચી હતી. જે અંગે જે તે સમયે ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરી હતી. ત્યારબાદ આજે આ કેસમાં કોર્ટમાં સુનાવણી દરમિયાન મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોર્ટે પોતાના આદેશમાં હાલના મંત્રી પ્રદીપસિંહ જાડેજા વિરૂદ્ધ ફોજદારી ગુનો નોંધવા જણાવ્યું છે. મંત્રી સામે ફરિયાદ નોંધાવવા જઈ રહી હોઈ રાજ્યમાં ચકચાર મચી ગઈ છે.