અમદાવાદ, તા.૧૧
એલઆરડી ભરતી પ્રક્રિયામાં અનામતના મુદ્દે કરાયેલા પરિપત્રને લીધે વિરોધનો વંટોળ ઉઠયો છે તેમાં પણ એલઆરડી ભરતીની ઉમેદવાર મહિલાઓએ આંદોલન ચલાવી રહી છે ત્યારે પરિપત્રનો વિવાદ વકરતાં સરકારે પીછેહટ કરી છે તેમજ ભરતી પ્રક્રિયા મુદ્દે વર્ષ ર૦૧૮ના પરિપત્રમાં સુધારો કરવાની જાહેરાત કરી છે. આ સુધારાનો અમલ એલઆરડી ભરતીમાં પણ કરાશે. તદુપરાંત બિનઅનામત વર્ગના ઉમેદવારોને નુકસાન ન જાય તેની પણ કાળજી રાખવાની વાત સરકારે કરી છે.
આ અંગે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, રાજ્ય સરકારની વિવિધ ભરતી પ્રક્રિયાઓ સંદર્ભે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તા. ૧/૦૮/૧૮નો પરીપત્ર કરાયો છે તેમાં પણ યુવાઓ-મહિલાઓને કોઇપણ જાતનો અન્યાય ન થાય તે માટે જરૂરી સુધારાઓ કરવાનો પણ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
ગૃહમંત્રી જાડેજાએ ઉમેર્યુ કે રાજ્ય સરકારની વિવિધ ભરતી પ્રક્રિયા સંદર્ભે સા.વ.વિ. દ્વારા તા.૧/૦૮/૧૮ના રોજ કરવામાં આવેલ પરીપત્રના અમલમાં થયેલ વિસંગતતાને પરીણામે એસ.સી./એસ.ટી./ઓ.બી.સી. માં અનામત અને બિન અનામત વર્ગની વિસંગતતાઓ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ભા.જ.પા.ના અગ્રણીઓ અને પરીક્ષા સંલગ્ન મહિલા ઉમેદવારો દ્વારા રજૂઆત કરાઈ હતી. તેને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કોઇપણ ઉમેદવારોને અનામત સંદર્ભે કોઇ જાતનું નુકશાન ન થાય તેની સંપૂર્ણ ખાતરી આપી છે ત્યારે મહિલાઓએ પોતાનું આંદોલન સમેટી લેવું જોઇએ.
ગૃહરાજ્યમંત્રી જાડેજાએ કહ્યું કે LRDની ભરતીના સંદર્ભમાં આ પરીપત્રના અમલીકરણના કારણે SC/ST/OBC માં અનામત અને બિન અનામત વચ્ચે માર્કની વિસંગતતામાં વધુ માર્કસ ગુણવત્તા ધરાવતાને અન્યાય થયો છે તેવું રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ ભા.જ.પા.ના વરિષ્ઠ આગેવાનોએ અને આના કારણે જેને અન્યાય થવાની શક્યતાઓ છે તેવા વર્ગ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ત્રણ દિવસ અગાઉ એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે અનામત અંગે દેશની જુદી-જુદી હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચૂકાદા અને જુદા-જુદા રાજ્યોમાં તેનું અમલીકરણ કરવાની પ્રક્રિયાના સંદર્ભમાં સર્વગ્રાહી અભ્યાસ કરીને આ ઉકેલ લાવવામાં આવશે. આ અંગે આજે રાજ્ય સરકારના મંત્રી મંડળના સભ્યો, સાંસદો અને ધારાસભ્યોએ રજૂઆત કરી હતી. જેમાં મુખ્યમંત્રીએ આ પ્રતિનિધિ મંડળને એવી ખાતરી આપી હતી કે આ અંગેનો અન્યાય નિવારવા માટે રાજ્ય સરકાર વિવિધ રાજ્યોની વડી અદાલતોએ તેમના રાજ્યોમાં અનામતના સંદર્ભમાં આપેલા ચૂકાદાઓનો સર્વગ્રાહી અભ્યાસ કરી યોગ્ય નિર્ણય કરી સુધારા વાળો પરીપત્ર બહાર પાડી વિસંગતતા દૂર કરશે. આ બાબત ધ્યાને રાખીને ગુણવત્તાના આધાર પર મહિલાઓને અન્યાય ન થાય તે માટે સરકાર દ્વારા જરૂરી સુધારા વધારા કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે SC/ST/OBCના અનામત માટે ગુજરાત સરકાર કટિબધ્ધ છે અને બિન અનામત વર્ગના અધિકારોનું પણ અમે રક્ષણ કરીશું.
LRD ભરતી વિવાદમાં સરકાર ઝૂકી : વિવાદિત પરિપત્રમાં સુધારો કરાશે

Recent Comments