(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૩૧
આજે આણંદ ટાઉનહોલ ખાતે મહિલા અને બાળ વિકાસ, ગાંધીનગર અને આણંદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાયેલ અભયમ મહિલા સંમેલનમાં ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાતની મહિલાઓ, માતાઓ, બહેનો માટે ઝડપી અને સચોટ સુરક્ષા અને તત્કાલ મદદ મળી રહી તે માટેની અભિનવ પહેલ સમાન ૧૮૧ અભયમ મોબાઇલ એપની શરૂઆત કરવામાં આવી છે જે સેવાઓ મહિલા માટે સરકારના અભય વચન સમાન છે તેમ જણાવી મહિલા સલામતીમાં ગુજરાત રાજય દેશમાં અગ્રેસર હોવાનું કહ્યું હતું.
રાજય સભાના સાંસદ લાલસિંહ વડોદિયાએ મહિલાઓને સ્વયં જાગૃત થઇ અન્ય મહિલાઓને જાગૃત કરી મહિલા સશકિતકરણ પ્રતિ પ્રેરક બનવા સુચવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી અમિતપ્રકાશ યાદવે પ્રારંભમાં સ્વાગત પ્રવચન કર્યું હતું.
જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી ચેતનભાઇ સોજિત્રાએ ૧૮૧ મહિલા અભયમ એપ કેવી રીતે કામ કરે છે તેની વિગતવાર સમજ આપી એપનો પરિચય આપ્યો હતો.
આ પ્રસંગે ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ૧૮૧ મહિલા અભય હેલ્પ લાઇન આણંદ સેન્ટરના બે કાઉન્સેલરો હેપીબેન પરમાર અને કૈલાબેન નાયક, પોલીસ સ્ટેશન બેઇઝડ સ્પોર્ટ સેન્ટર, આણંદ કેન્દ્ર દ્વારા ૪૬૩ કેસો પૈકી ૨૩૯ કેસોમાં સમાધાન કરવામાં આવેલ તથા ૪૯ શિબિરોના આયોજન થકી સમાજમાં જાગૃતિ લાવવાની કામગીરી બદલ પોલીસ સ્ટેશન બેઇઝડ સ્પોર્ટ સેન્ટરની શબનમ ખલીફા અને અનીતાબેન બોરસે કોન્સ્ટેબલોનું, મહિલા પોલિસ સ્ટેશનની બે મહિલા કોન્સ્ટેબલ ધનુબેન રાઠોડ, ભૂમિકાબેન ત્રિવેદી,મહિલા અને બાળ વિકાસ પુરસ્કૃત વિવિધલક્ષી મહિલા કેન્દ્રમાં છેલ્લા એક વર્ષમાં ઘરેલું ઝઘડાના કેસોમાં સુખદ નિરાકરણ લાવવા બદલ વિવિધલક્ષી મહિલા કેન્દ્ર આણંદના મદદનીશ સંચાલક અને ના સુભદ્રાબેન પ્રજાપતિ અને નારી અદાલત આણંદ દ્વારા ૫૧૧ કેસોમાંથી ૪૯૪ કેસોમાં સુખદ સમાધાન કરાવવા બદલ નારી અદાલત, આણંદના જિલ્લા કો-ઓર્ડીનેટર કોમલબેન વ્યાસનું સન્માન કરવામાં આવ્યું હતું.