વાગરા, તા.૧૧
વાગરાના ચાંચવેલ ગામે પહોંચી ગૃહમંત્રીએ પીવાના પાણીની સમસ્યા મામલે ગ્રામજનો સાથે વાર્તાલાપ કર્યો હતો. લોકોના પ્રશ્નોને સાંભળી તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કર્યા હતા.
વાગરા તાલુકો ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે વિખ્યાત બન્યો છે. તેમ છતાં ગ્રામ્ય વિસ્તારના લોકો પ્રાથમિક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે. પ્રજા સ્વાસ્થ્ય અને પીવાના પાણીની સમસ્યાને લઇ પીડાઈ રહી છે. રાજ્ય સરકારની પાણીની સમસ્યાને મુદ્દે ગંભીર બની છે. જેને પગલે ગુજરાત સરકારના ગૃહમંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી પ્રદીપસિંહ જાડેજા પીવાના પાણીની સમસ્યાના નિરાકરણ માટે વહીવટી તંત્રના રસાલા સાથે વાગરાના ચાંચવેલ ગામે આવી પહોંચ્યા હતા. ગામ લોકોએ પીવાના પાણીની આપદા અંગે ધારદાર રજૂઆતો કરી હતી. હાલમાં ચાંચવેલ ગામેં છ ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવે છે. જે બાબતે ગૃહમંત્રીએ ૧૦ ટેન્કર મારફતે પીવાનું પાણી પૂરૂં પાડવા પાણી પુરવઠા અધિકારીને સૂચના આપી હતી અને તેમ છતાં કોઈ અગવડ પડે તો તેમનો સંપર્ક કરવા જણાવ્યું હતું. આ તબક્કે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રજાના પ્રશ્નોને લઇ સરકાર સંવેદનશીલ છે. એટલે જ આજે હું તમારા ગામ સુધી આવ્યો છું. આ સાથે ખેડૂતોએ માઇનોર કેનાલ તકલાદી બની હોવાની રજૂઆત પણ કરી હતી.
ચાંચવેલ ગામે પાણીની વિપદાને દૂર કરવા આવેલ ગૃહમંત્રી સાથે ધારાસભ્ય અરૂણસિંહ રણા, તાલુકા પંચાયત પ્રમુખ ઈશ્વરભાઈ ગોહિલ, જિલ્લા પોલીસ વડા, ડી.ડી.ઓ, ટીડીઓ, પાણી પુરવઠાના અધિકારીઓ સહિત ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વાગરાના ચાંચવેલ ગામે પાણીની સમસ્યા મુદ્દે પ્રદિપસિંહ જાડેજાની ઓચિંતી મુલાકાત

Recent Comments