અમદાવાદ, તા.૨૦
અમદાવાદના હીરાપુર ખાતે આવેલ નિત્યાનંદ આશ્રમમાં બનેલ ઘટના સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. પોલીસે એફઆઈઆર દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. કેસમાં સંડોવાયેલા કોઇપણ વ્યક્તિને રાજ્ય સરકાર છોડશે નહિ. કેસની ન્યાયિક તપાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિત્યાનંદ આશ્રમ ખાતે બાળકો સામે થયેલ ગુના સંદર્ભે દુઃખની લાગણી વ્યક્ત કરીને કસૂરવારો સામે સત્વરે પગલાં લેવા સૂચનાઓ આપી છે. તે સંદર્ભે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરીને એફઆઈઆરમાં દર્શાવેલ આરોપીઓ પૈકી બે સંચાલિકા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. બન્ને હાલ પોલીસ કસ્ટડીમાં છે. તેમણે ઉમેર્યું કે, સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ થાય તે માટે આ ઘટનાની તપાસ અમદાવાદ જિલ્લાના એસ.પી.ના સુપરવીઝન હેઠળ ડી.વાય.એસ.પી. કે.ટી. કામરીયા ચલાવી રહ્યા છે. પોલીસ આગળની તપાસ કરી રહી છે. તપાસ અધિકારીની મદદ સારૂ બે ડી.વાય.એસ.પી., એલ.સી.બી. અને એસ.ઓ.જી. સહીતના અધિકારીઓની વિવિધ ટીમો બનાવીને યોગ્ય દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તે સંદર્ભે પણ સાયબર સેલની મદદ લઇને તપાસને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. તપાસ દરમ્યાન મળેલ વિગતો અને પુરાવાઓને ધ્યાને લઇને કસૂરવારો સામે યોગ્ય દિશામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તપાસ દરમ્યાન જે પણ વિગતો બહાર આવશે. તેના આધારે કાયદેસરના પગલાં લેવામાં આવશે.