(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૨૭
રાજ્યમાં બેરોજગારી અને ભરતી કૌભાંડો અંગે વિરોધપક્ષ કોંગ્રેસ દ્વારા સરકાર સામે આક્ષેપો કરવામાં આવતા તેના વળતા જવાબમાં સરકાર તરફથી કોંગ્રેસના આક્ષેપોને જૂઠ્ઠા તથા યુવાનોને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા છે. સરકારના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જવાબમાં કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભૂતકાળમાં યુવાનોને સરકારી સેવાઓમાં ભરતી કાપ તેમની સરકારે મૂકયો હતો. અમારી સરકારે કાપ દૂર કરી પારદર્શિતાથી ભરતી કરીને યુવાનોને સરકારી સેવામાં જોડીને રોજગારી પૂરી પાડી છે. કોંગ્રેસે યુવાનોને જૂઠ્ઠાણા ફેલાવીને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ. મંત્રીએ ઉમેર્યું કે, સરકારે ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર બનાવ્યું છે અને તે મુજબ ટેકનોલોજીના માધ્યમ દ્વારા પારદર્શિતાથી ભરતી કરીને યુવાનોને રોજગારી આપી છે, તે કોંગ્રેસને ખૂંચતું હોઈ, યુવાનોને ગેરમાર્ગે દોરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં સીધી ભરતીથી જીપીએસસી, ગુજરાત પંચાયત પસંદગી બોર્ડ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સહિતના મંડળો દ્વારા વિવિધ વિભાગો માટે વિવિધ સંવર્ગની પરીક્ષાઓ લઈને પારદર્શિતાથી ૧,૨૦,૦૧૩ યુવાનોની ભરતી કરી છે. જેમાં રાજ્યના ૨૬થી વધુ વિભાગોમાં વર્ષ ર૦૧૪માં ૨૦,૩૩૯, વર્ષ ર૦૧પમાં ૨૪,૪૨૦, વર્ષ ર૦૧૬માં ૧૦,૬૦૪, વર્ષ ૨૦૧૭માં ૪૭,૮૮૬, વર્ષ ૨૦૧૮માં ૧૫,૩૨૯ અને ચાલુ વર્ષે ૧૫૩૫ યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. રાજ્યના પોલીસ દળની ખાલી જગ્યાઓ ભરવા ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં ૯૭૧૩ લોકરક્ષક માટેની પરીક્ષા લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવેલ હતી. હવે પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોનું આખરી પરિણામ જાહેર કરી આગામી તારીખ ૧લી ડિસેમ્બરે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે. અનુસૂચિત જનજાતિના ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા ચાલતી હોઈ, તેના લીધે કામગીરી પૂર્ણ થઈ નથી. પ્રક્રિયા ઝડપથી હાથ ધરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.