(સંવાદદાતા દ્વારા)
માંગરોળ,તા.૧૦
માંગરોળ તાલુકાના નાનીનરોલી ગામે જી.આઈ.પી.સી.એલ. નામની કંપની કાર્યરત છે. આ કંપની લિગ્નાઈટમાંથી વીજળી ઉત્પન્ન કરે છે. તાજેતરમાં આ કંપની દ્વારા કંપનીની માંગરોળ લિગ્નાઈટ માઈન્સની નજીકથી ચરેઠા ગામે થઈ ટોકરી નદી પસાર થાય છે. કંપની પોતાના પ્લાન્ટનું ઝેરી પ્રદૂષિત પાણી આ ટોકરી નદીમાં છોડે છે. જેથી નદીનું પાણી વપરાશ કે પીવા માટે યોગ્ય રહેતું નથી. હાલમાં નદીમાં ઝેરી પાણી છોડતા માછલા-કાચબા-દેડકા સહિતના જળચર જીવો મૃત્યુ પામ્યા છે. સાથે જ નદી કિનારાની વનસ્પતિઓ પણ મરણ પામી છે. ગ્રામજનો માટે પીવાના પાણી માટે ટોકરી નદીના કિનારે પાણીનો બોર કરેલો છે. પરંતુ નદીનું પાણી પ્રદૂષિત થતાં બોરનું પાણી પણ પીવાલાયક રહ્યું નથી. આ પ્રશ્ને ઘણાં વર્ષોથી રજૂઆતો કરવામાં આવી છે. છતાં આ કંપનીના અધિકારીઓ કોઈ પણ કાયદા કે નિયમને ગણકારતા નથી. ગ્રામજનોએ હાલમાં પુનઃ જિલ્લા કલેક્ટર, સુરત, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, જમીન સંપાદન અધિકારી માંગરોળ, મામલતદારને ઉપરોક્ત વિગતોવાળી રજૂઆત કરી આ સ્થળની રૂબરૂ મુલાકાત લેવા જણાવ્યું છે. સાથે જ કંપની પોતાનું ગદું પાણી આ નદીમાં ન છોડે એ માટે યોગ્ય હુકમ કરવા માંગ કરી છે.