(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.પ
શહેરના જમાલપુર અને કાલુપુર વોર્ડના કેટલાક વિસ્તારમાં પ્રદૂષિત પાણી આવતું હોવાથી અસંખ્ય લોકો ઝાડાઉલ્ટી, કમળો, ટાઈફોઈડ જેવા પાણીજન્ય રોગનો ભોગ બનતા વિવિધ મ્યુનિ. અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે મ્યુનિ. અધિકારીઓને વારંવાર ફરિયાદ કરવા છતાં પાણીની સમસ્યાનો નિકાલ ન આવતા લોકો તંત્રના વાંકે માંદગીના બિછાને પટકાઈ રહ્યા છે.
કાલુપુર વોર્ડમાં ભાગતવાડા, દાંડીગરાની પોળ, રિલીફ વિસ્તારમાં આવેલ વિવિધ પોળોમાં તથા જમાલપુર વોર્ડના કેટલાક વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા અંગે જણાવતા સામાજિક કાર્યકર અને કોંગ્રેસના અગ્રણી જોહર ટી. વોહરા ઉમરે છે કે પ્રદૂષિત પાણીને કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે. હાલ ચેપીરોગ હોસ્પિટલમાં સના ઐયુબભાઈ પેન્ટર, અલીના ઐયુબભાઈ પેન્ટર ચેપી રોગ હોસ્પિટલ તથા સરફરાઝ બલ્લુવાલા ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આવા તો અસંખ્ય દર્દીઓ વિવિધ મ્યુનિસિપલ અને ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલા છે અથવા તો ઓપીડીમાં સારવાર લઈ રહ્યા છે.
પાણીની સમસ્યા અંગે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર ફરિયાદ કરવા છતાં મ્યુનિ. તંત્ર ગંભીરતા દાખવતું નથી. આથી રોગચાળો વકરે અને ગંભીર રૂપ ધારણ કરે તે પહેલાં મ્યુનિ. તંત્ર વહેલીતકે પ્રદૂષિત પાણીની સમસ્યાનો નિકાલ લાવે તે જરૂરી છે.