(એજન્સી) મુંબઇ, તા.૫
આગામી સામાન્ય ચૂંટણીઓ માટે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ લોકસભાની ૪૦ સીટ અંગેની બેઠક-વહેંચણીની સમજૂતીને આખરીઓપ આપી દીધો હોવાની એનસીપીના નેતા પ્રફુલ પટેલે એક પત્રકાર પરિષદમાં જાહેરાત કરી છે. પટેલે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં ૪૦ લોકસભા સીટ પર કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને ચૂંટણી લડવાના હોવાનું અમે નક્કી કર્યું છે. જોકે, રાજ્યમાંની બાકીની ૮ સીટ માટે હજી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન ચૂંટણીઓમાં ભાજપ માટે મોટી સમસ્યા ઉભી કરે તેવી ધારણા છે. ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીઓમાં આપેલા વચનો પુરા કરવામાં અસમર્થતા અંગે પીએમ મોદીથી શિવસેના નારાજ છે.
ઉત્તર પ્રદેશની ૮૦ સીટ પછી દેશમાં ૪૮ લોકસભા મતવિસ્તારો સાથે મહારાષ્ટ્ર સૌથીવધુ બેઠકની બાબતમાં બીજા નંબરે છે. પટેલે જણાવ્યું કે એનસીપી બીઆર આંબેડકરની વિચારસરણીમાં માનનારા પક્ષોને સંગઠિત કરવા માગે છે. કોંગ્રેસ અને એનસીપી વચ્ચે સંભવિત જોડાણ અંગે મહિનાઓથી કરવામાં આવી રહેલી અટકળો બાદ પટેલે આ જાહેરાત કરી છે. એનસીપીના વડા શરદ પવાર કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સાથે બંને પક્ષોના ગઠબંધનની રૂપરેખા અંગે મસલતો કરી રહ્યા છે. એનસીપીના વડાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતાગીરીના ટીકાકાર માનવામાં આવે છે. એક તબક્કે તો તેમણે એવી આગાહી કરી હતી કે આગામી સામાન્ય ચૂંટણીઓમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ચૂંટાશે નહીં. જોકે, મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. ૨૦૧૪માં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસના બે અને એનસીપીના ચાર સભ્યો એટલે કે બંને પક્ષોના છ સાંસદો ચૂંટાયા હતા. જ્યારે બીજીબાજુ ભાજપના ૨૩ અને એનડીએનો સહયોગી પક્ષ શિવસેનાના ૧૮ સભ્યો ચૂંટાયા હતા.