પાટણ, તા.૪
પાટણ શહેરના પીપળાગેટ વિસ્તારમાં આવેલી એક હોસ્ટેલમાં આશરે વીસેક જેટલા વિદ્યાર્થીઓ રહી જુદી જુદી શાળાઓમાં અભ્યાસ કરે છે આ વિદ્યાર્થીઓ સાથે હોસ્ટેલના ગૃહપતિ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરતા આ અંગે ધોરણસરની ફરિયાદ નોંધાતા નગરભરમાં ગૃહપતિ સામે ઘૃણાની લાગણી સાથે ચકચાર મચી જવા પામી હતી
આ સમગ્ર ઘટનાની મળતી વિગતો મુજબ પાટણ શહેરના પીંપળાગેટ વિસ્તારમાં પોલીસ ચોકીની બાજુમાં જ અંત્યજ પ્રગતિ મંડળ કુમાર છાત્રાલય ચાલે છે. જેમાં ધો.૮થી ૧રના વીસેક જેટલા વિદ્યાર્થીઓ વિવિધ શાળાઓમાં અભ્યાસ કરે છે અને અહીંયા રહે છે. આ વિદ્યાર્થીઓ સાથે આ છાત્રાલયના ગૃહપતિ પરમાર અશોકભાઈ બળવંતભાઈ રહે. પાટણવાળા દ્વારા રાત્રિના સમયે દરરોજ અલગ અલગ વિદ્યાર્થીને પોતાની રૂમમાં બોલાવી તેની સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય છેલ્લા કેટલાક સમયથી આચરાઈ રહ્યું હતું. આવું જ છાત્રાલયમાં રહેતા દરેક વિદ્યાર્થી સાથે બનતું હતું પરંતુ વિદ્યાર્થીઓને અપાતી અલગ અલગ પ્રકારની ધમકીઓને લીધે કોઈ વિદ્યાર્થી આની સામે અવાજ ઉઠાવવાની હિંમત કરતો નહતો. વિદ્યાર્થીઓએ પોતાની સાથે ગુજારાતા અધમ કૃત્યની બાબતે પોતાના વાલીઓ સમક્ષ રજૂઆત કરતાં આ સમગ્ર પ્રકરણનો ગતરોજ ભાંડો ફૂટ્યો હતો અને વાલીઓ પૈકી પરમાર કનુભાઈ ધમસીભાઈ રહે. કાનોસણ તા.સરસ્વતીવાળા સહિત કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓ ગતરોજ દોડી આવ્યા હતા અને છાત્રાલયમાં હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ પોલીસને પણ જાણ કરાતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને વિવિધ વિદ્યાર્થીઓના નિવેદનો પણ નોંધ્યા હતા. ત્યારબાદ આવુ અધમ કૃત્ય આચરનાર પરમાર અશોકભાઈ બળવંતભાઈ અને અન્ય એક વ્યક્તિ સામે ધોરણસરની ફરિયાદ અપાતાં પાટણ એ-ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો છે.