અમદાવાદ, તા.૨૪
કોંગ્રેસના નેતા રાજ બબ્બરે પીએમ મોદીના માતા હીરા બા(૯૭ વર્ષ)ની તુલના ડોલર સાથે કરવાને લઇ મોદીના મોટા ભાઇ પ્રહલાદભાઇ પણ નારાજ થયા છે. તેમણે બબ્બરના આ નિવેદનની ટીકા કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ હતાશ છે. આ નિવેદન મોદીને ગાળો આપવાના ઇરાદાનું પરિણામ છે. ગુરૂવારના રોજ રાજ બબ્બરે ઈન્દોરમાં એક રેલી દરમિયાન કહ્યું હતું કે, ‘ડોલર સામે રૂપિયો એટલો ગગડી ગયો છે કે, તે વડાપ્રધાનનાં પૂજની માતાજીની ઉંમર તરફ આગળ વધી રહ્યો છે.’ પ્રહલાદ મોદીએ આગળ કહ્યું કે, નરેન્દ્ર મોદી સિવાય અમારા પરિવારમાંથી કોઇપણ વ્યક્તિને રાજનીતિ સાથે સંબંધ નથી. એવામાં કોંગ્રેસે અમારા પરિવારને રાજકારણમાં ઢસડી જવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. આ પ્રકારની ટિપ્પણી લોકશાહી પરંપરાને અનુરૂપ નથી. ઇશ્વરની કૃપાથી મારી માની લાંબી ઉંમર છે અને તેને લઇ કોંગ્રેસને ઇર્ષા થઇ રહી છે. જ્યારે ખરી વાત તો એ છે કે, કોંગ્રેસ પાર્ટી નરેન્દ્રભાઈને કારણે પરેશાન છે. પાર્ટી હતાશામાં તેને પરોક્ષરૂપે ગાળો આપવા માટે આવા નિવેદન આપી રહ્યા છે મારી ભગવાનને પ્રાર્થના છે કે, તે તેને સદ્દબુદ્ધિ આપે, જેથી હતાશ થયા વિના રાજકીય લડાઈ લડે.