પોરબંદર, તા.ર૬
પોરબંદર પંથકમાં પાણીનો પ્રશ્ન વિકરાળ બન્યો છે. એક બાજુ ખેડૂતો પાક વીમા માટે લડી રહ્યા છે તો બીજી બાજુ હજુ શિયાળાની શરૂઆત છે ત્યાં જ પાણી કાપ થઈ ગયો છે. નગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે પાણી ૩ દિવસ વિતરણ કરવામાં આવશે. જ્યારે ગામડાના વિસ્તારોમાં નર્મદાનું પાણી ક્યાંક ૧પ દિવસે તો કયાંક અઠવાડિયામાં બે વખત આપવામાં આવે છે તો લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. જ્યારે પ્રેસ પ્રતિનિધિઓએ મુલાકાત લીધી તે દરમ્યાન હેન્ડપમ્પમાંથી પાણી ખેંચીને લોકો જરૂરિયાત પૂરી પાડે છે. પાણી માટે અત્યારથી જ પરિસ્થિતિ ઉભી થઈ છે તો આવનાર ઉનાળાની કાળઝાળ ગરમીમાં પ્રજાના શું હાલ થશે ? તેવા પ્રશ્નો ઉદ્‌ભવે છે ત્યારે પાણી પુરવઠા વિભાગ એ આ માટે યોગ્ય આયોજન કરવું જોઈએ.
જ્યારે સિટીમાં નગરપાલિકા દ્વારા પણ પાણી વિતરણનો કોઈ સમય હોતો નથી. જેથી લોકોને મુશ્કેલી ઓ ઉભી થાય છે. તો કયારેક પીવાના પાણીની લાઈનોમાં ગટરોના ગંદા પાણી પણ વહે છે. રજૂઆત છતાં કોઈ ફેરફાર થયો નથી તો શું આ બહેરા કાને અથડાઈ રહેલ લોક પ્રશ્નોનું નિવારણ કયારે ? આ માટે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગણી ઉઠવા પામી છે. જો આવી જ પરિસ્થિતિ રહેશે તો ર૦૧૯માં આવનારી લોકસભાની ચૂંટણી સરકાર માટે આકરી પરીક્ષા સમાન રહેશે તેવું પણ પ્રજાના મોઢે સાંભળવા મળ્યું છે.