(સંવાદદાતા દ્વારા) નડિયાદ,તા.રપ
ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે હાલ આવેલ જિલ્લા ન્યાયાલયના પ્રાંગણમાં રૂા.૪પ.૯૧ કરોડના ખર્ચે નવી બનનાર અદ્યતન ન્યાયાલયનું ભૂમિપૂજન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડીએ જણાવ્યું હતું કે, પ્રજાજનોને સરળ, ઝડપી અને સસ્તો ન્યાય મળી રહે તે ન્યાયતંત્રની પ્રાથમિકતા છે. ચીફ જસ્ટિસે ન્યાય પ્રણાલી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ, વકીલ મિત્રો અને ન્યાયતંત્રના કર્મીઓને પાંચ વર્ષથી વધુ જુના કેસોને નિકાલમાં પ્રાથમિકતા રાખવા જણાવ્યું હતું તંદુરસ્ત સમાજ માટે ન્યાયપાલિકાની ભૂમિકા વર્ણવી વ્યવસાયને ગૌરવરૂપ બનાવવા તેમજ કોર્ટમાં ્‌પ્રજાનો વિશ્વાસ દૃઢતાપૂર્વક જળવાઈ રહે તે જોવા ચીફ જસ્ટિસે જણાવ્યું હતું. હાઈકોર્ટના જજ અને ખેડા જિલ્લાના એડમિનિસ્ટ્રેટીવ જજ એ.જે. શાસ્ત્રીએ હાલના ૧૦૦ વર્ષ જૂના ન્યાય તંત્રના મકાનની સગવડતાઓ અને બાંધકામની પ્રશંસા કરતા આવા ટકાઉ અને અદ્યતન મકાનમાં પણ તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે તેમ જણાવ્યું હતું. વિધાનસભાના મુખ્ય દંડક પંકજકુમાર દેસાઈએ જણાવ્યું હતું કે છેવાડાના માનવીને સરળ, સસ્તો અને ઝડપી ન્યાય મળી રહે તેમજ ન્યાય તંત્ર માટે જરૂરી પાયાની તમામ સગવડો અદ્યતન અને ઉત્તમ મળી રહે તે માટે સરકાર કટિબધ્ધ છે. જિલ્લા ચીફ જસ્ટિસ વી.બી. માયાણી સાહેબે સૌને આવકાર્યા હતા. આભાર દર્શન નડિયાદ બાર એસોશિએશનના પ્રમુખ પંકજભાઈ રાવએ કર્યું હતું. પી.યુ. ઢગટ દ્વારા કાર્યક્રમનું સફળ સંચાલન કરાયું હતું. આ પ્રસંગે પરેશભાઈ ધોરા, કલેકટર કુલદીપ આર્ય, ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર પી.આર. પટેલ, હાઈકોર્ટના પીપીએસ કે.એસ. પ્રસાદ, જિલ્લા વિકાસ અધિકારી સુધીર પટેલ, જિલ્લા પોલીસ વડા મનીન્દરસિંહ પવાર ઉપસ્થિત રહ્યા હતા.