પાવીજેતપુર, તા.૯
પાવીજેતપુર બેડા ફળિયામાં રહેતા એક જ લાઈનના ચાર બંધ મકાનોના રાત્રિ દરમ્યાન તાળા તોડી ૧,૬૩,પપ૦/-ના સોના-ચાંદીના ઘરેણાં તેમજ ર૪૦૦૦/- રૂપિયા રોકડા મળી ૧,૮૭,પપ૦/- રૂપિયાની ચોરી થવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર બેડાફળિયામાં રહેતા નારણભાઈ મોહનભાઈ મિસ્ત્રી પોતાના મકાનને તાળા મારી વડોદરા પોતાના સંતાનો સાથે રહેતા હતા. બંધ મકાનનો લાભ લઈ ઘરફોડ ચોરી કરનારા કેટલાક ઈસમોની ટુકડી ૮ જુલાઈની રાત્રીના ૧ વાગ્યાથી ૪.૩૦ વાગ્યા સુધીમાં નારણભાઈ દરવાજાના તાળા તેમજ નકુચા તોડી ઘરમાં પ્રવેશી તિજોરીમાં મૂકેલા સોના, ચાંદીના ઘરેણા ૮૩,પપ૦/-ની કિંમતના તેમજ ૪૦૦૦/- રૂપિયા રોકડા મળી કુલ ૮૭,પપ૦/- રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે.
નારણભાઈ મિસ્ત્રીની લાઈનમાં જ રહેતા બોડેલી ખત્રી વિદ્યાલયના આચાર્ય ઉંમર ફારૂક વાય.ટપલા પોતાના વતન ગયા હતા તેમજ સમયે બંધ મકાનમાં તાળા તોડી ઘરમાં પ્રવેશી ૮૦,૦૦૦/-ની કિંમતના સોના-ચાંદીના ઘરેણાની ચોરી થવા પામી છે. તેમજ અન્ય દિલીપભાઈ સેવકરામ પાઠકના ઘરમાંથી ર૦,૦૦૦/- રૂપિયા રોકડાની ચોરી થવા પામી છે. નિશારભાઈ સુલેમાનભાઈ ખત્રીના બંધ મકાનના તાળા તોડ્યા હતા પરંતુ તેઓનું કશું જ જવા પામ્યું નહતું.
આમ પાવીજેતપુરમાં મોડી રાત્રીએ ચાર બંધ મકાનના તાળા તોડી ૧,૮૭,પપ૦/- રૂપિયાના મુદ્દામાલની ચોરી થવા પામી છે. ચોરો વાન લઈને આવ્યા હોવાનું લોકચર્ચામાંથી જાણવા મળી રહ્યું છે. ડોગ સ્કવોર્ડને પણ બોલાવવામાં આવનાર છે.