(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૩૦
જામનગરમાં શનિવારે વકીલ કિરીટ જોષીની સરેઆમ હત્યા પછી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ‘ટોક ઓફ ટાઉન’ બનેલી આ ઘટના પછી લોકો સવાલો ઊઠાવી રહ્યા છે કે, કાનૂનની રખેવાળી કરતા વકીલોની જ જો હત્યા થવા લાગે, તો સામાન્ય જનતા સલામત કેવી રીતે રહી શકે ? જ્યારે ચૂંટણી હોય ત્યારે ભાજપના ખરેખાંઓ લોકોની સુરક્ષા, સલામતી, મહિલા સુરક્ષા અને શાંતિમય શાસનની ગુલબાંગો હાંકતા હોય છે, પરંતુ પ્રવર્તમાન સ્થિતિ જોતા તો રાજ્યભરમાં કાનૂન જેવું કાંઈ રહ્યું જ નથી અને ગુનેગારો, બાળત્કારીઓ, ચોર-લફંગાઓ અને બુટલેગરો બેફામ બન્યા છે. રાજ્યમાં બાળ સુરક્ષા અને બાળ પોષણના ક્ષેત્રે પણ શાસન તદ્દન નિષ્ફળ ગયું છે. સરકારના વિભાગો વચ્ચે સંકલન જેવું કાંઈ જ રહ્યું નથી. જામનગર સહિત હાલારના તંત્રોમાં પણ ઉચ્ચ અધિકારીઓને તેમના તાબાના અધિકારીઓ અને કર્મચારીઓ ગાંઠતા હોય, તેમ જણાતું નથી. જામનગરમાં વકીલની નગરના ધમધમતા વિસ્તારમાં હત્યા થયા પછી લોકોમાં અસલામતિની ભીતિ ઊભી થઈ છે. પોલીસ તંત્ર સામે પણ અનેક સવાલો ઊઠી રહ્યા છે. જામનગરમાં બનેલી આ ઘટના સમગ્ર રાજ્યની સ્થિતિ દર્શાવે છે, અને વર્ષ ર૦૧૬ની સરખામણીમાં વર્ષ ર૦૧૭માં રાજ્યમાં વધેલી ગુનાખોરીના આંકડાઓના વહેતા થયેલા અહેવાલો જોતા હવે રાજ્યની જનતા રામભરોસે હોય તેમ જણાય છે. જામનગરની મુલાકાતે આવી રહેલા મુખ્યમંત્રી આ સવાલોનો જવાબ આપશે ? તેવો સવાલ લોકોમાં સંભળાઈ રહ્યો છે.