(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૧
કેન્દ્રની ભાજપ સરકાર ભાવવધારાનું ધીમું ઝેર આપીને દેશના કરોડો ગરીબ અને મધ્યમવર્ગના લોકોને આર્થિક રીતે મારવાનું કામ કરી રહી છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં પ્રજાનુંં તેલ નીકળી રહ્યું છે ત્યારે ગુજરાતની ભાજપ સરકારે પેટ્રોલ-ડીઝલ ઉપર વસુલાતા ર૪ ટકા અને સીએનજી-પીએનજી ઉપર વસુલાતા ૧પ ટકા વેરામાં ઘટાડો કરીને ગુજરાતની પ્રજાને રાહત આપવી જોઈએ. ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારા વખતે ગોવા, આંધ્રપ્રદેશ સહિતની કોંગ્રેસશાસિત સરકારોએ રાજ્ય સરકારના વેરામાં ઘટાડો કરીને નાગરિકોને મોંઘવારીમાં રાહત આપી હતી તેવી રીતે હવે પેટ્રોલ-ડીઝલ અને ગેસ પરના વેરાની વર્ષે રૂા.૧૦ હજાર કરોડથી વધુની આવક કરતી ગુજરાતની ભાજપ સરકારે વેરામાં ઘટાડો કરીને ગુજરાતની પ્રજાને રાહત આપવી જોઈએ. જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલનો ભાવ રૂા.૧૫૦ ડોલરની આસપાસ હતો ત્યારે પણ પેટ્રોલ-ડીઝલના આટલા ઊંચા ભાવ યુપીએ સરકારમાં નહોતા જ્યારે આજે આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલના ભાવ ૭૮ ડોલર થયા હોવા છતાં ભાજપ સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવને રેકોર્ડ સપાટીએ પહોંચાડી દીધા છે. કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કરીને પ્રજાના ખિસ્સા ખંખેરીને જાહેર ક્ષેત્રની કંપનીઓના ખિસ્સા ભરી રહી છે. જાહેર ક્ષેત્રની આવી કંપનીઓ ભાજપ સરકારની અને વ્યક્તિગત રીતે નરેન્દ્ર મોદીની જાહેરખબર પાછળ અબજો રૂપિયાનું આંધણ કરી રહી છે. તેવો આક્ષેપ વિપક્ષી નેતાએ કહ્યો છે પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાની સીધી અસર ગૃહિણીઓના સામાન્ય બજેટ પર પડી છે અને ખેડૂતોની પડતર વધતા અનાજ, કઠોળ, શાકભાજી સહિતની દરેક ચીજ-વસ્તુઓની પડતર ઊંચી જઈ રહી છે. રૂા.૩૩૦માં મળતો ગેસ સિલિન્ડર આજે રૂા.૮૦૦ એ પહોંચ્યો છે, રેલવે બસના મુસાફરી ભાડામાં ખૂબ જ મોટો વધારો થયો છે, ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ મળતા નથી, સરકાર વેરાનું ભારણ વધારતી જાય છે. જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો કમરતોડ મોંઘવારીના ખપ્પરમાં ધકેલાઈ ગયા છે. ડૉ.મનમોહનસિંહને મૌનમોહન કહેનારા મોદી આજે પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના મુદ્દે કેમ મૌન બની ગયા છે ? મોસાળમાં જમણ અને મા પીરસનાર છે ત્યારે રાજ્યની ભાજપ સરકારે પેટ્રોલ-ડીઝલ અને ગેસનો જીએસટીમાં સમાવેશ કરવા માટે કેન્દ્રની ભાજપ સરકાર કેન્દ્રની મોદી સરકાર પાસે આવી રજૂઆત ન કરે તો શું એ ગુજરાતની પ્રજાને હળહળતો અન્યાય નથી ? જો ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલમાં ભાવઘટાડો ન કરે તો કોંગ્રેસ પ્રજાની વચ્ચે જઈને ભાજપની કેન્દ્ર અને રાજ્યની સરકાર વચ્ચેની મિલીભગતનો પર્દાફાશ કરશે તેમ પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.