એનઆરસી અને સીએએનો વિરોધ કરવા દેશભરના પ્રજાપ્રેમી અને રાષ્ટ્રપ્રેમી નાગરિકો અહિંસક આંદોલન ચલાવી રહ્યા છે. તેમાંય દિલ્હીની જામિયા મિલ્લિયા ઈસ્લામિયા અને અલીગઢ યુનિવર્સિટીમાં પોલીસે અહિંસક આંદોલન ચલાવી રહેલા દેખાવકારો પર આચરેલી બર્બરતાના વિરોધમાં દેશના અનેક શહેરની યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, કર્મશીલો અને પ્રજા દેખાવો, ધરણા અને રેલી યોજી રહ્યા છે, ત્યારે મંગળવારના રોજ પણ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે માનવ અધિકાર માટે લડતા કર્મશીલો અને શાંતિપ્રિય નાગરિકો દ્વારા દેખાવો યોજવામાં આવ્યા હતા. જેમાં એનઆરસી અને નાગરિક સંશોધન અધિનિયમ (સીએએ)ના કાળા કાયદાને રદ્દ કરવા માગણી કરવામાં આવી હતી. આ દેખાવોમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.