અમદાવાદ,તા.૧૮
રાજયસભાની પ્રતિષ્ઠાભરી ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસે હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વિધાનસભા ચૂંટણીને લઇ કોંગ્રેસ પક્ષના ચૂંટણી ઢંઢેરાની તૈયારીઓ પણ જોરશોરથી શરૂ થઇ ગઇ છે. બહુ પ્લાનીંગ સાથે આ વખતે વિધાનસભા ચૂંટણીઓમાં ઉતરવાની કોંગ્રેસની વ્યૂહરચના છે. કોંગ્રેસ આ વખતે પ્રજા વચ્ચે જઇ પ્રજાના પ્રશ્નો, સમસ્યાઓ અને મુશ્કેલીઓ-હાલાકી જાણી તે મુદ્દાઓને ચૂંટણી ઢંઢેરામાં સમાવવાનો પ્રયાસ કરશે. કોંગ્રેસ આ વખતે પોતાના ચૂંટણી ઢંઢેરામાં નિભાવી શકાય તેવા નક્કર વચનો જ પ્રજાને આપશે. કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ભાજપની જેમ ચૂંટણી વખતે ઠાલા વચનો આપી પ્રજા સાથે છેતરપીંડી કરવાની માનસિકતા કોંગ્રેસની નથી અને તેથી જ કોંગ્રેસ પ્રજાની વચ્ચે જઇ તેમનું મન જાણી તે પ્રમાણે ચૂંટણી ઢંઢેરો તૈયાર કરશે. ભાજપે પ્રજાને માત્ર ઠાલા વચનો આપવા સિવાય બીજુ કશું કર્યું નથી. વિધાનસભાની ચૂંટણીઓને લઇ કોંગ્રેસ હવે ભારે ઉત્સાહપૂર્વક ચૂંટણી લક્ષી તૈયારીઓમાં સક્રિય બન્યું છે. તેમાંય ખાસ કરીને ચૂંટણીમાં જે બહુ મહત્વનો મનાય છે એવો પક્ષનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવા કોંગ્રેસે આ વખતે વિશેષ તૈયારીઓ કરી છે. કોંગ્રેસ આ વખતે પ્રજાની-લોકોની વચ્ચે જઇ તેમની સમસ્યાઓ, પ્રશ્નો અને મુશ્કેલીઓ જાણી તેને વાચા આપશે અને તે મુદ્દાઓને પોતાના ચૂંટણી ઢંઢેરામાં સમાવવાનો પ્રયાસ કરશે. કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરા માટે ચાર ઝોનમાં અલગ-અલગ વહેંચણી કરી કામગીરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને તેમના હિતની કૃષિનીતિ, મહિલાઓની સુરક્ષા, યુવાનોને રોજગારી સહિતના મુદ્દાઓને પ્રાધાન્યતા આપવામાં આવશે. તો, સાથે સાથે રાજયમાં મોંઘવારી, શિક્ષણમાં નફાખોરી, નોકરીઓમાં ફિક્સપ્રથા દ્વારા શોષણ, કાયદો અને વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ, જીએસટી અને નોટબંધીથી થયેલા નુકસાન, પ્રજાહિત વિરોધી નીતિથી રાજયને થયેલા ગંભીર નુકસાન સહિતના મુદ્દાઓને લઇ સરકારને પ્રજા સમક્ષ ઉઘાડી પાડવાનો પણ પ્રયાસ કરાશે. ચૂંટણી ઢંઢેરાને લઇ કોંગ્રેસ પક્ષ દ્વારા આવતીકાલથી સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ ખાતે લોકપ્રશ્નો અને લોકોની અપેક્ષાઓ જાણવાની શરૂઆત કરાશે. આ વખતે સૌપ્રથમવાર કોંગ્રેસ ટ્રેડ યુનિયનો, લેબર યુનિયનો, સામાજિક સંસ્થાઓ, સંગઠનો, સમાજસેવકો, પત્રકારો સહિતના સમાજના વિવિધ ક્ષેત્રમાંથી પણ સૂચનો મંગાવશે અને તેને પણ પોતાના ચૂંટણી ઢંઢેરામાં સમાવશે.