(એજન્સી) તા.૧૭
પ્રકાશ આંબેડકરના નેતૃત્વવાળી ભારિયા બહુજન મહાસંઘે (બી.વી.એમ) મહારાષ્ટ્રમાં મજલીસે-ઈત્તેહાદુલ-મુસ્લિમિન (એમઆઈએમ) સાથે ગઠબંધન કરવાની જાહેરાત કરતા ભાજપ અને શિવસેનાનો સામનો કરવા માટે રચાયેલા ‘વિપક્ષી મહાગઠબંધન’ની મુશ્કેલીઓ વધી ગઈ છે. જ્યારે કોંગ્રેસ-એનસીપી દલિતો પર મજબૂત વર્ચસ્વ ધરાવતા પ્રકાશ આંબેડકરને મહાગઠબંધનમાં લેવાની વાત કરી ચૂકી છે ત્યારે બી.વી.એમ.-એમઆઈએમ વચ્ચેનું આ ગઠબંધન મહાગઠબંધનના ભવિષ્ય સામે પ્રશ્નો ઊભા કરે છે. આ ઉપરાંત કોંગ્રેસનું આમ પણ કહેવું છે કે ચૂંટણી માટે એમઆઈએમ સાથે ગઠબંધન નકારાત્મક અસર ઊભી કરી શકે છે કારણ કે તે બિનસાંપ્રદાયિક પાર્ટી નથી. પ્રકાશ આંબેડકરે રવિવારે કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસની રમતોથી કંટાળી ગયા હોવાથી તેઓ તેમના પોતાના ગઠબંધન સાથે આગળ વધશે. રસપ્રદ રીતે તે હજી પણ કોંગ્રેસ-એનસીપી સાથે ગઠબંધન કરવાની ઈચ્છા ધરાવે છે. પરંતુ તેમની શરત એ છે કે મહારાષ્ટ્રની ૪૮ લોકસભા બેઠકોમાંથી તેમની પાર્ટીને ૧ર બેઠકો આપવામાં આવે. કોંગ્રેસના નેતાઓ આ ગઠબંધન વિશે વિવિધ મંતવ્યો ધરાવે છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે આંબેડકરે આ પગલું તેમની શરતો સ્વીકારવા માટે કોંગ્રેસ-એનસીપી પર દબાણ વધારવા માટે ભર્યું છે જ્યારે અન્ય એક નેતાએ આંબેડકર અને એમઆઈએમ પર ભાજપની ‘બી’ ટીમ હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.