(એજન્સી) તા.૧૭
કેન્દ્રીય એચઆરડી પ્રધાન પ્રકાશ જાવડેકરે નવસ્થાપિત નેશનલ ટેસ્ટીંગ એજન્સી (એનટીએ) દ્વારા સંચાલિત સ્પર્ધાત્મક પરીક્ષાઓની પેટર્ન સાથે માહિતગાર થવા વિદ્યાર્થીઓને સહાય કરવા દેશભરમાં ૩૪૦૪ ટેસ્ટ પ્રેક્ટિસ સેન્ટર્સ (ટીપીસી)ના નેટવર્કનું ઉદ્‌ઘાટન કર્યું હતું. સરકારે ઉચ્ચત્તર શિક્ષણમાં પ્રવેશ પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે કમ્પ્યુટર પર પરીક્ષાના અભ્યાસની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને દેશમાં ૪૦૦થી વધુ પરીક્ષા અભ્યાસ કેન્દ્રોની શરુઆત કરી છે. જાવડેકરે ગૂગલ હેન્ગઆઉટ પર ટીપીસીનું ઉદ્‌ઘાટન કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે અમે દેશભરના એવા વિદ્યાર્થીઓ માટે ટીપીસી શરૂ કરવા જઇ રહ્યા છીએ કે જેમની પાસે કમ્પ્યુટર્સ અને સ્માર્ટ ફોનની સુવિધા નથી. હવે સંસાધનોના અભાવે કોઇ પણ વિદ્યાર્થીને સહન કરવું પડશે નહીં. સરકારે જેઇઇ (મેઇન) અને યુજીસી નેટ પરીક્ષાની પેટર્ન આ વર્ષથી બદલી છે. હવે તે કલમ અને કાગળના બદલે કમ્પ્યુટર આધારિત થઇ ગઇ છે. નવી પરીક્ષા પેટર્ન વધુ પારદર્શક, લીકપ્રુફ, વૈજ્ઞાનિક, વિદ્યાર્થીલક્ષી અને ઝડપી છે. એનટીએ દ્વારા કમ્પ્યુટર કે સ્માર્ટ ફોન પર પ્રેક્ટિસ ટેસ્ટ આપવા વિદ્યાર્થીઓ માટે એક એપ્લિકેશન પણ લોંચ કરી છે. જાવડેકરે જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં આ એક ક્રાંતિ છે.