અમદાવાદ, તા.૧૭
વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૯ની શરૂઆત સાથે સાયન્સ સિટી ખાતે સ્ટેમ (સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરીંગ, ગણિત) એજીયુકેશન એન્ડ રીસર્ચ પર રાઉન્ડ ટેબલ બેઠક યોજાઈ હતી. જેને કેન્દ્રીય માનવ સંશાધનમંત્રી પ્રકાશ જાવડેકરે ખૂલ્લી મૂકી હતી. આ બેઠકમાં સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરીંગ અને ગણિત વિષય પર ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રીએ પ્રાસંગીક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, શિક્ષણ ભાર રૂપ ન હોવું જોઈએ પરંતુ મનોરંજક હોવું જોઈએ અને શિક્ષણને મોનોરંજક રીતે પીરસવાનું કાર્ય શિક્ષકજ કરી શકે છે. તેમણે સેમિનારમાં ઉપસ્થિત નવીનશોધ કરતા સંશોધકોને સંબોધતા કહ્યું હતું કે, સંશોધનકર્તાનો વિચાર માત્ર શોધ કરવા પૂરતો મર્યાદીત ન રહેતા તેનો વ્યાપ કઈ રીતે વધે તે માટેનો પણ હોવો જોઈએ. શિક્ષકો માટે ઊભા કરવામાં આવેલા નવિન પ્લેટફોર્મ દીક્ષા અંગે વાત કરતા તેમણે ઉમેર્યું હતુું કે, સરકાર દ્વારા “દીક્ષા” નામની સાઈટ ખૂલ્લી મૂકાઈ છે જ્યાં શિક્ષકો પોતાનામાં રહેલા શિક્ષણ અંગેના નવિન વિચારોને મૂકી શકે છે અને પોતાની વાત અન્ય લોકો સુધી પહોંચાડી શકે છે.
મંત્રીએ વૈશ્વિક સ્તરે દેશના વિકાસની વાત કરતાં ઉમેર્યું હતું કે, જે દેશ ઈનોવેશનને પ્રાધાન્ય આપે છે તે દેશ ખરા અર્થમાં વૈશ્વિક સ્તરે વિકાસ સાધી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણક્ષેત્રે લેવામાં આવેલા પગલાની વાત કરતા મંત્રીએ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓને પ્રયોગશાળા બનાવવા પાછળ ૩૦,૦૦૦ કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત સંશોધન ક્ષેત્રે સરકાર દ્વારા આપવામાં આવતી સ્કોલરશિપની રકમમાં પણ વધારો કરવાની વાત તેમણે જણાવી હતી.
વર્તમાન સરકારના હકારાત્મક અભિગમની વાતનો ઉલ્લેખ કરતા મંત્રીએ ઉમેર્યું હતુ કે, આજના સમયમાં પરિસ્થિતિ બદલાઈ છે અને લોકો પોતાના મનમાં ઉદ્‌ભવેલા ઈનોવેટીવ આઈડિયાને ફળીભૂત કરવા વિદેશથી સ્વદેશ પરત ફરી રહ્યા છે.
બેઠકની શરૂઆતમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, પાછલા દશકામાં શિક્ષણના સ્તરમાં સુધારો આવ્યો છે અને શિક્ષણની સાથે મનોરંજનનો સમન્વય કરી શિક્ષણ આપવાની નવિન પદ્ધતિ આવી છે તે આવકારવા દાયક છે. વિવિધ પ્રયોગશાળામાં થતા નવિન પ્રકારના પ્રયોગોને કારણે એક નવોજ વર્ગ શિક્ષણક્ષેત્રે કાર્યરત થયો છે જે શિક્ષણક્ષેત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. તેમણે ગુજરાતને વર્ષ ૨૦૧૮ માટે બેસ્ટ ઈન્ડસ્ટ્રિયલ પ્રમોશન રાજ્ય ગણાવ્યું હતું.
આજનો વિદ્યાર્થી આવતી કાલનો નેતા છે ત્યારે વિદ્યાર્થીઓ માટે શિક્ષણક્ષેત્રે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલા પગલા અંગે જણાવતા તેમણે ઉમેર્યું હતુ કે, નમો ટેબ્લેટ યોજના અંતર્ગત પ્રથમ વર્ષમાં જ કોલેજના ૩ લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવ્યા હતા. આ સાથે વિવિધ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે ફ્રી વાઈફાઈ અને વિદ્યાર્થીઓમાં નમો મોબાઈલ એપ્લિકેશનનોના વધેલા વ્યાપનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ પ્રસંગે સ્ટેમ એજ્યુકેશનને પ્રોત્સાહન આપી કંઈક આરોગ્ય, ખેતી, શિક્ષણ દેવા ક્ષેત્રે કંઈક નવુ સર્જન કરનાર પાંચ જેટલા સર્જકોને મંચસ્થ મહાનુંભાવોના હસ્તે ચેક અને પ્રમાણપત્ર આપી સન્માનવામાં આવ્યા હતા. આ સાથે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા એમ.ઓ.યુ. પણ કરવામાં આવ્યા હતા.
તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સવારે અમદાવાદના સાયન્સ સિટી ખાતે નવનિર્મિત ‘બિયોન્ડ પ્લેનેટ અર્થ ધ ફ્યુચર ઓફ સ્પેસ એક્સ્પ્લોરેશન’ને ખૂલ્લુ મૂક્યું હતું.
આ એક્ઝિબિશનમાં ઉદ્‌ઘાટન પ્રસંગે કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકર શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિહં ચૂડાસામા, શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરી દવે, મેયર બિજલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી આ એક્ઝિબિશનમાં મૂકાયેલ સુપર સ્પેશ ક્રાફ્રટ, લુનાર લેનઢડિંગ અવકાશમાંથી દર્શન, લિક્વિડ મીરર, માર્સ રોવર વગેરેના મૂકાયેલા પ્રોટોટાઈપને રસપૂર્વક નિહાળી તે અંગેની માહિતી મેળવી હતી.
આ અવસરે મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘ, શિક્ષણ અગ્ર સચિવ અંજુ શર્મા, સચિવ વિનોદ રાવ તથા વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.