(એજન્સી) નવી દિલ્હી, તા.૧
પત્રકારો સાથેની વાતચીત દરમિયાન પ્રકાશ રાજેએ કહ્યું કે, હિન્દુત્વના નામે ગુનો કરનારા લોકોની પાછળ જેનો હાથ રહેલો છે, તેને સજા આપવી જોઈએ. તેણે તેઓને ડરપોક ગણાવ્યા કે જેઓ ગરીબો અને જરૂરિયાતમંદોની પાછળ રહીને તેમને આવા ગુનાઓ કરવા માટે ઉશ્કેરે છે. તેમણે પૂછ્યું કે, જો પ્રતિક્રિયા આપવી જરૂરી જ છે અને જો ધર્મ ખરેખર જોખમમાં જ છેતો લોકો તેના માટે આગળ કેમ નથી આવતા. પ્રકાશ રાજને ઈન્ટેલિજન્સ ટીમ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેઓ રોજિંદું જીવન સામાન્ય રીતે ના જીવે, કારણ કે તેમના માટે જોખમકારક સાબિત થઈ શકે છે. અભિનેતાએ આ દેશને પ્રશ્ન પૂછ્યો છે કે, દેશના યુવાનોની વિચારસરણી કોણે બદલી નાખી છે કે જેઓ પોતાના હૃદયમાં નફરત ભરી રાખી છે. આ ગુનાઓ આચરનારને સજા થવી જોઈએ અને જેઓ હું કોઈ એક ધર્મની વિરૂદ્ધમાં હોવાનો દાવો કરે છે તેમને હું પુછવા માંગું છું કે, તમને કોણે એવો હક આપ્યો કે તમે આવી ધમકીઓ, નફરતો અને હિંસાને ફેલાવો. તેમણે ઉમેર્યું કે તેઓ કોઈપણ વિશેષ ધર્મ કે સમુદાયની વિરૂદ્ધમાં નથી. પરંતુ તેઓ ધર્મના નામે ફેલાવતી હિંસાની વિચારસરણીની વિરૂદ્ધમાં છે. હું કોઈપણ ધમકીથી ડરતો નથી, પરંતુ હું સચેત રહીશ. કારણ કે હું અન્ય ગૌરી લંકેશ બનવા માગતો નથી. તેમણે ઉમેર્યું કે, હવે તેમણે જે અવાજ ઉઠાવ્યો છે તે હવે વધુ તીવ્ર બનશે અને કોઈપણ વ્યક્તિ મને ચૂપ કરાવી શકશે નહીં. હું પીડિત નહીં બનું. આજના લોકો વધુ જાગૃત છે અને તેઓ સમજી શકે છે કે તેમની આસપાસ શું બની રહ્યું છે અને હું તેમને એવું કહેવા માંગું છું કે, તેઓ તેમની જાતને એ પ્રશ્ન પૂછે કે આવું ક્યાં સુધી ચાલતું રહેશે ?