(એજન્સી) અમૃતસર, તા.૧૪
નાગરિકતા સંશોધન કાયદાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. દિલ્હીના શાહીનબાગમાં આશરે બે મહિનાથી આ કાયદાને પાછો લેવાની માંગને લઈને ધરણા પ્રદર્શનો થઈ રહ્યા છે. વિપક્ષી દળોનો આરોપ છે કે, આ કાયદામાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલું તાજેતરના સંશોધન મુસ્લિમો વિરુદ્ધ છે. વિપક્ષી દળોની સાથે-સાથે હવે ભાજપની સહયોગી શિરોમણી અકાલી દળે પણ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. એસએડીના વરિષ્ઠ નેતા પ્રકાશ સિંહ બાદલે અમૃતસરમાં એક રેલી કરી હતી. તેમણે રેલીમાં કહ્યું કે, સરકારને ધર્મના આધાર પર કોઈનો પક્ષ ન લેવો જોઈએ. સરકારને તમામ ધાર્મિક સંપ્રદાયો વચ્ચે એકતાનું આહ્વાન કરવું જોઈએ. પ્રકાશ સિંહ બાદલે કહ્યું કે, આ ગંભીર ચિંતાનો વિષય છે કે, દેશમાં વર્તમાન સ્થિતિ ખરાબ છે. તમામ ધર્મોનું સન્માન કરવું જોઈએ. જો કોઈ સરકાર સફળ સફળ થવા ઈચ્છે છે તો, તેણે અલ્પસંખ્યકોનો સાથ લેવો પડશે. આમાં હિંદૂ, મુસ્લિમ, શિખ અને ઈસાઈ તમામ હોવા જોઈએ. તેમને એવું અનુભવાવું જોઈએ કે, તેઓ તમામ એક પરિવારનો ભાગ છે. તેમણે એકબીજાને ગળે લગાવવા જોઈએ અને નફરતના બીજ ન વાવવા જોઈએ. તેમણે કહ્યું કે, આપણા સંવિધાનમાં લખ્યું છે કે, આપણા દેશમાં ધર્મનિરપેક્ષ અને લોકતાંત્રિક શાસન હશે. ધર્મનિરપેક્ષતાના પવિત્ર સિદ્ધાંતોથી કોઈ વિચલન માત્ર આપણા દેશને કમજોર કરશે. સત્તામાં રહેનારા લોકોને એકજુટ થઈને અને એક ધર્મનિરપેક્ષ લોકતંત્રના રુપમાં ભારતના રક્ષણ માટે અથાગ પ્રયત્નો કરવા જોઈએ.