(એજન્સી) તા. ૨૯
મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતૃત્વમાં સરકાર બન્યા બાદ હવે પાર્ટી પોતાના જુના સાથી ભાજપને વધુ એક આંચકો આપવા જઇ રહી છે. શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે શુક્રવારે એમ કહીને હલચલ મચાવી છે કે, મહારાષ્ટ્રની રાજનીતિ સમાપ્ત થઇ અને અમે બધા હવે ગોવામાં વ્યસ્ત છીએ. ગોવામાં નવું રાજકીય સમીકરણ આકાર લઇ રહ્યું છે અને વહેલી તકે ગોવામાં પણ ચમત્કાર થઇ શકે છે. મીડિયા સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું કે, ગોવા ફોરવર્ડ પાર્ટીના અધ્યક્ષ અને રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ વિજય સરદેસાઇ પોતાના ત્રણ ધારાસભ્યો સાથે શિવસેના સાથે ગઠબંધન કરવા જઇ રહ્યા છે. ગોવામાં નવું રાજકીય ગઠબંધન આકાર લઇ રહ્યું છે જેમ મહારાષ્ટ્રમાં થઇ ચુક્યું છે. વહેલી તકે ગોવામાં ચમત્કાર થશે. અમે દેશમાં બિનભાજપ રાજકીય મોરચો બનાવવા માગીએ છીએ.
સંજય રાઉતના નિવેદન બાદ ગોવામાં સહયોગી પાર્ટી ગોવા ફોરવર્ડ પાર્ટીના પ્રમુખ વિજય સરદેસાઇએ કહ્યું કે, ઘોષણા કર્યા બાદ સરકાર બદલાતી નથી. આ અચાનક થાય છે. મહારાષ્ટ્રમાં જે થયું તે ગોવામાં પણ થવું જોઇએ. વિપક્ષે સાથે આવવું જોઇએ. અમારી મુલાકાત સંજય રાઉત સાથે થઇ છે. મહાવિકાસ અઘાડીને ગોવા સુધી વિસ્તારવું જોઇએ. બીજી તરફ ગોવાના ઉપ મુખ્યમંત્રી મનોહર અજગાંવકરે ગોવા ફોરવર્ડ પાર્ટી સાથે શિવસેનાના હાથ મિલાવવા અંગે કહ્યું કે, સંજયરાઉત વિજય સરદેસાઇ સાથે ગઠબંધન કરીને ચૂંટણીમાં ઉતરશે. તેમને ખબર પડી જશેકે ગોવાના લોકો શું છે. સંજય રાઉત સપના જોઇ રહ્યા છે. વાસ્તવિકતા એ છે કે, ગોવાના લોકો પાસે એક મજબૂત સરકાર છે. ભાજપ સરકારનું કામ જોતાં કોંગ્રેસના ૧૦ ધારાસભ્યો ભાજપમાં જોડાયા. પ્રમોદ સાવંત મનોહર પારિકરના વિઝનને આગળ વધારી રહ્યા છે.